ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપના ઉપક્રમે યોજાયો સ્તુત્ય કાર્યક્રમ: ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની વિધાનસભા-68 બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા અને વડીલ વંદના સમિતિ દ્વારા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ’વડીલ વંદના’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ માટે જીવનભર સંઘર્ષ અને ત્યાગ કરનાર વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમની અનુભૂતિનો લાભ નવી પેઢીને મળે તેવો હતો.
કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસીયાના જાહેર જીવનના 50 વર્ષ પૂર્ણ થતા અને તેમના જન્મદિવસે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સમાન વરિષ્ઠ આગેવાનો જેવા કે માધુભાઈ બાબરીયા, કુવરજીભાઈ બાવળિયા, અજીતસિંહ ચૌહાણ સહિત અનેક વડીલોને શાલ, શીલ્ડ અને રિસ્ટ વોચ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. મહંત લાલદાસબાપુએ આશીર્વચન પાઠવ્યા હતા અને સાંસદ પરસોત્તમ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા તેમજ શહેર પ્રમુખ ડો. માધવ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર સન્માન નથી પણ એક સંઘર્ષમય યાત્રાને વંદન કરવાનો અવસર છે. વડીલોના તપ અને સમર્પણના કારણે જ આજે સંગઠન મજબૂત બન્યું છે. આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે ધારાસભ્ય ઉદય કાનગડની ત્રણ વર્ષની કામગીરીનું સરવૈયું રજૂ કરતા ’જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો.



