સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા “બિલ્ડિંગ બોન્ડ, બિલ્ડિંગ નેશન” થીમ હેઠળ કાર્યક્રમનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેર દ્વારા દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુરુવાર, 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ બપોરે 2:00 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.
- Advertisement -
આ ભવ્ય સમારોહમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત મંત્રી, ભારત સરકારના ડો. મનસુખભાઈ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે લોકસભાના સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યો રમેશભાઈ ટિલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતો બનાવશે.સેલિબ્રેટિંગ ધ આઇડિયાલ્સ ઓફ સરદાર પટેલ” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા, એકીકરણ અને સુશાસન પ્રત્યેના યોગદાનને સ્મરણ કરવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ જગત, નીતિનિર્ધારકો અને જનસામાન્યને એક મંચ પર લાવી નવી પેઢીને સરદાર પટેલના વિચારો અને મૂલ્યોથી પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ સમગ્ર આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ તેમજ રજિસ્ટ્રાર ડો. રમેશભાઈ પરમાર અને સરદાર વલ્લભભાઈ પટેલ ચેરના ચેરમેન પ્રો. રમેશભાઈ કોઠારીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ ઉજવણી સરદાર સાહેબની વિચારધારા આજે પણ ભારતને મજબૂત અને એકતાશીલ રાષ્ટ્ર બનાવવા માટે પ્રેરણા આપે છે તેવો સંદેશ પાઠવશે.



