હોળાષ્ટક અને ધુળેટી પેહલા દામોદર કુંડ ખાતે રાળ ઉત્સવ ઉજવાય છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ પવિત્ર દામોદર કુંડ ખાતે શ્રી રાધા દામોદરજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે રાળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતી રહી હતી. રાળ ઉત્સવનું મહાત્મય સમજાવતા રાધા દામોદરજી મંદિરના મુખ્યાજી જાજુભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, હોળાષ્ટક પછી અને ધૂળેટી પહેલા રાળ ઉત્સવ મનાવાય છે.પુષ્ટિ સંપ્રદાયમાં વર્ણન છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે દોઢ મહિના સુધી ફાગ ઉત્સવ, ફૂલડોલ ઉત્સવ વગેરે કરી રાસલીલા કરી હતી. પછી ધૂળેટી- હોળાષ્ટક પુરા થતા ભગવાન શ્રીકૃષ્ણએ વિદાય લેતા ગોપીઓ નારાજ થઇ હતી. ત્યારે તેમના હ્રદયમાં થતી વિરહની અગ્નિનું પ્રતિબીંબ એટલે રાળ ઉત્સવ. આમાં રાળ નામના અનાજનો લોટ લઇ મશાલમાં રાખવામાં આવે છે અને તેને અગ્નિમાં નાંખતા ભડકો થાય છે. આમ, ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણને બતાવે છે કે તમારા જવાથી આ વિરાટ અગ્નિના ભડકા સમાન વિરહની અગ્નિ અમારા હ્રદયમાં ભડકે બળે છે. બરસાનામાં ઉજવાય છે તેવી જ રીતે દામોદર કુંડે હોળી- ધૂળેટી ઉત્સવ પણ મનાવાય છે જેમાં મશીનથી અબીલ, ગુલાલના રંગ ઉડાડાય છે જેથી ઠાકોરજીના ફૂલડોલ જેવો માહોલ દામોદર કુંડે પણ જોવા મળે છે.