હાઈકોર્ટે સુઓમોટો PIL દાખલ કરી: ફરિયાદો કેટલી મળી, તેમાં શું પગલાં ભર્યાં: HC
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં મેડિકલ, એન્જિનિઅરીંગ સહિતના વિવિધ કોર્સના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં જોવા મળતી રેગિંગની ઘટના મુદ્દે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં બુધવારે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછયા હતા કે, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રેગિંગ સામે નિમાયેલી ત્રણ એન્ટી રેગિંગ કમિટીમાં સરકારના પ્રતિનિધિ કેટલા છે ? હાઈકોર્ટે સરકારને એ પણ સ્પષ્ટતા માંગી હતી કે આ શૈક્ષણિક સંસ્થાનોમાં રેગિંગ મુદ્દે રાજ્ય સરકારને કેટલી ફરિયાદો મળેલી છે ? રેગિંગ કેસના આરોપી વિદ્યાર્થીઓ સામે શું પગલા લેવામાં આવ્યા છે ? સત્તાધીશોએ શું પગલા લીધા છે ? સરકારી અધિકારીઓએ આ બાબત પર ધ્યાન રાખવુ જરુરી છે, દરેક વસ્તુ માત્ર કાગળ પર છે. આ અંગે વિગતવાર જવાબ રજૂ કરો. વધુ સુનાવણી છ એપ્રિલે હાથ ધરાશે. સંબંધિત વિભાગ દ્વારા રેગિંગ મુદ્દે તેનો જવાબ રજૂ કરાયો છે. છેલ્લા ત્રણ શૈક્ષણિક વર્ષમાં રેગિંગ મુદ્દે કોઈ ફરિયાદ મળી નથી. રેગિંગના કેસ માટે જવાબદાર બીજે મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટર સામે પગલા લેવાયા છે. સરકારના આ જવાબથી હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કરેલો અને સવાલ પૂછેલો કે આ પ્રકારના પ્રશ્નના પર નજર રાખવા માટે સરકાર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે ? સરકારે જે નીતિ બનાવી છે, તે માત્ર ટેકનીકલ સંસ્થાનોમાં રેગિંગ પર અંકુશ લાવવા માટે છે કે રાજ્યના અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો માટે પણ છે?