વિવિધ ફેકલ્ટીમાં ખાલી પડેલી જગ્યાઓ પર પ્રોફેસરની નિમણૂક કરવા માટે 8 સભ્યોની કમિટી નિમાઈ
4 ઓક્ટોબર સુધીમાં અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂરી કરવા સૂચના આપી દેવાઈ
- Advertisement -
સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોવા છતાં તે ભર્યા પછી નવી શિક્ષણનીતિનો અમલ કરવાના બદલે ચાલુ શૈક્ષણિક સત્રથી અમલ શરૂ કરવાનો આદેશ અપાઈ ગયો છે અને હવે સરકારે ખાલી પડેલી જગ્યાઓ ભરવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગાંધીનગર ખાતે આવેલી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના સંયુક્ત શિક્ષણ નિયામકે આ માટે આઠ સભ્યોની ભરતી કમિટીની રચના કરી છે. આ તમામ સભ્યો આચાર્યની જવાબદારી સંભાળી રહ્યા છે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલી એમ. એન. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ ડી. મોઢને આ કમિટીના સભ્ય સચિવ તથા ઓએસડી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
કમિટીના અન્ય સભ્યોની વાત કરીએ તો ઇડરની સરકારી વિનિયન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રજ્ઞાબેન વાઢેર, લીમખેડાની સરકારી વિનિયન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વાય.એસ. પટેલ, અમદાવાદના સાંજનીમાં આવેલી ગુજરાત આર્ટસ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિંમત ભાલોડીયા, વાંસદાની સરકારી બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપભાઈ ગામીત, રાજકોટની સરકારી લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મીનલબેન રાવલ, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ટેકપાલસિંગ આનંદ અને ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જયેશ પુજારાનો સમાવેશ કરાયો છે.
નવી કમિટીએ તેમની કામગીરી તારીખ 13 જુલાઈથી શરૂ કરી દીધી છે અને ચાર ઓક્ટોબર સુધીમાં બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં લો, વિનયન, વાણીજ્ય જેવી ફેકલ્ટીની કોલેજોમાં અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા માટે કામગીરી કરવાની રહેશે. શિક્ષણ જગતના સુત્રોના જણાવ્યા મુજબ સરકારે આ કામગીરી પહેલા કરવાની જરૂર હતી. કારણ કે આગામી દિવસોમાં જન્માષ્ટમીની રજાઓ શરૂ થઈ જશે અને તારીખ 4 ઓક્ટોબર સુધીમાં આ પ્રક્રિયા સંપન્ન થવાની હોવાથી નવા અધ્યાપકો દિવાળી વેકેશન પછી ઉપલબ્ધ થાય અને પહેલું સેમેસ્ટર ભણ્યા વગર નીકળી જાય તેવી શક્યતા છે.
- Advertisement -