‘નવજીવન વિકલાંગ સેવાશ્રય’ સંસ્થા દ્વારા 100થી વધુ દિવ્યાંગોને સાધનો મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભચાઉની ’નવજીવન વિકલાંગ સેવાશ્રય’ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 100થી વધુ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રિક અને મેન્યુઅલ ટ્રાઇ-સાયકલ, વ્હીલચેર, સ્માર્ટફોન અને અન્ય જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ ઈલેક્ટ્રિક ટ્રાઈ-સાયકલ 40 કિલોમીટરની રેન્જ ધરાવતી હોવાથી દિવ્યાંગોને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્થાના પરોપકારના કાર્યોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ છે અને તેમને મુખ્યધારામાં લાવવા એ આપણું સામાજિક દાયિત્વ છે. તેમણે વધુમાં કહ્યું કે, જે મનુષ્યમાં જરૂરિયાતમંદ માટે દયાભાવ ન હોય તે પથ્થર સમાન છે અને દરેક વ્યક્તિએ પરોપકારની ભાવના રાખવી જોઈએ. આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ આજે રાષ્ટ્રીય મિશન બની ગયું છે અને વડાપ્રધાને આ માટે ₹2481 કરોડની જોગવાઈ કરી છે. તેમણે ખેતીમાં ઝેરી રસાયણોના ઉપયોગથી થતા જીવલેણ રોગો પર ચિંતા વ્યક્ત કરી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી. ’નવજીવન વિકલાંગ સેવાશ્રય’ સંસ્થાના સ્થાપક વિશાલભાઈ જોશીએ જણાવ્યું કે, 32 વર્ષ પહેલાં સ્થપાયેલી આ સંસ્થા આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દિવ્યાંગજનો, વંચિત બાળકો અને મહિલાઓના કલ્યાણ માટે વટવૃક્ષ બની છે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી જાડેજા, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી સહિત અનેક પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -