લુણીવાવ ગામે શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે ખેડૂતોની મુલાકાત લીધી; ગાયનું દોહન કરી અને કપાસ વીણીને પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
- Advertisement -
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન સાદગી અને ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યા બાદ, રાજ્યપાલ આજે વહેલી સવારે ખેતરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક સામાન્ય ખેડૂતની જેમ બળદ ગાડું ચલાવ્યું હતું અને જાતે મકાઈની કાપણી કરીને ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો.
ખેડૂતો સાથે ખભેખભો મિલાવી કપાસ વીણ્યો રાજ્યપાલ પંકજભાઈ મારકણાના પ્રાકૃતિક ખેતર પર પહોંચ્યા હતા અને ત્યાં ઊગેલા ચણા, વટાણા સહિતના રોગમુક્ત પાકનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ખેડૂતની દીકરી જે ગઈઈ માં છે તેને અભ્યાસ સાથે કૃષિ કાર્ય કરવા પ્રોત્સાહિત કરી હતી. બાદમાં નજીકના કપાસના ખેતરમાં જઈને તેમણે ખેડૂતો સાથે મળીને રૂ (કાલા) વીણ્યા હતા. તેમની આ સહજતા જોઈને સ્થાનિક ખેડૂતો મંત્રમુગ્ધ બન્યા હતા. જમીનને સોનું બનાવવાનો માર્ગ ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની માંગ છે. તેમણે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ સમજાવીને કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે અને પાક બીમારીમુક્ત રહે છે. રાજ્યપાલના માર્ગદર્શનથી પ્રેરાઈને અનેક ખેડૂતોએ ઝેરમુક્ત ખેતી તરફ વળવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.



