પ્રાકૃતિક ખેતીના હિમાયતી રાજ્યપાલે પ્રભાત ફેરી, સફાઈ અભિયાન અને ખેડૂતો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગર જિલ્લાના હણોલ ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામીણ જીવન પ્રત્યેની આત્મીયતા દાખવી હતી. તેમણે કોઈ વીવીઆઈપી પ્રોટોકોલને બદલે ગામની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણ કર્યું હતું. આજે વહેલી સવારે તેઓ ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને ’સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત જાતે ઝાડૂ હાથમાં લઈ સફાઈ કરી હતી. આ સાથે ’એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ અને ગૌસેવા કરી પર્યાવરણ અને પશુપાલનનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલશ્રીએ નવાગામમાં પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક ફાયદા સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જંગલમાં ખાતર વિના વૃક્ષો લીલાછમ રહે છે તે જ પ્રાકૃતિક ખેતીનો પાયો છે. તેમણે ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત અને મલ્ચિંગ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે એક એકર જમીનમાં ઓછામાં ઓછું બે ટન ઘન જીવામૃત વાપરવાથી ઉત્પાદન વધે છે અને જમીન ફળદ્રુપ બને છે. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં રાજ્યપાલે જણાવ્યું કે, આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. તેમણે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ઉત્પાદનો માટે અલગ બજાર ઊભું કરવાની જરૂરિયાત જણાવી હતી. વધુમાં ઉમેર્યું કે, સતત ત્રણ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને સરકાર વિશેષ સહાય આપશે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.



