ખાસ-ખબર ન્યૂઝ પ્રતાપગઢ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામની મુલાકાત લીધી હતી. સ્વચ્છ ગામ અંતર્ગત આ મુલાકાતે પધારેલા રાજ્યપાલનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલએ ’એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે પ્રતાપગઢ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને ત્યાંની સુવિધાઓ અને વ્યવસ્થાઓથી વાકેફ થયા હતા. તેમણે શાળાના વિદ્યાર્થીઓને મળીને શિક્ષણ અંગેની સમજણ પણ આપી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રતાપગઢ પ્રાથમિક શાળાના એક સામાન્ય રૂમમાં રાત્રે રોકાણ કર્યું હતું. તેમનું રાત્રી ભોજન અનુસૂચિત જાતિના યુવક હસમુખભાઈ મેવાડાના નિવાસસ્થાને હતું, જે તેમની સાદગી અને લોકભાવના દર્શાવે છે. પ્રાકૃતિક ખેતી માટે પ્રતાપગઢ ગામની પસંદગી કરવા બદલ ગ્રામજનોએ આનંદ અને ખુશી વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, એસપી સંજય ખરાત, સવજીભાઈ ધોળકિયા, રસિકભાઈ રામાણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
- Advertisement -
ચોરે ઊભા રહીને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગામડાના ચોરે ઊભા રહીને ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ છે. તેમણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેક ભર્યા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્ય અને વાતાવરણ પર થઈ રહેલી ગંભીર અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે, તેમણે પ્રતાપગઢ ગામના ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જ લોકોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકશે. આ સાથે, તેમણે ગામમાં ગૌશાળા બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.