ગીર સોમનાથ રાજ્યપાલશ્રીના બાયસેગ દ્વારા ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પરના પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ડીડીઓ રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ આત્મા સ્ટાફ, ખેતીવાડી સ્ટાફ, ગ્રામસેવક તથા બાગાયત સ્ટાફના પ્રચાર-પ્રસાર દ્વારા તમામ ઈ ગ્રામ સેન્ટર તેમજ પ્રાથમીક શાળા અને અન્ય કેન્દ્રોમાં યુ ટ્યૂબના માધ્યમથી 16000 જેટલા ખેડૂતો તેમજ 2000 કરતા વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને પ્રાકૃતિક ખેતી તેમજ આત્મા વિશે જાણકારી મેળવી હતી.
રાજ્યના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી છે અને તેમના ઉત્પાદનોના વેચાણની વ્યવસ્થા પણ રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવશે તેવી માહિતી રાજ્યપાલશ્રી દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેક્ટ દ્વારા કરાયું હતું.
- Advertisement -
નોંધનીય છે કે રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને પરિણામે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં 7 લાખ 13 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, જયારે 10 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પુરી પાડવામાં આવી છે. વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવે અને એ દિશામાં પ્રયાસ હાથ ધરે એ માટે આ સેમિનારનું આયોજન કરાયું હતું.