સૌ.યુનિ.માં વિદ્યાર્થીઓના સંશોધન, કૌશલ્યલક્ષી પ્રોજેક્ટો ફરી ચાલું કરવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંશોધન અને કૌશલ્યલક્ષી પ્રોજેક્ટો જે રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવ્યા હતા તે સત્તાધીશોની અણઆવડતને કારણે બંધ થતાં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત સહિતનાએ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મુદ્દાસર રજુઆત કરી હતી અને વિપક્ષ નેતાના માધ્યમથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને રજુઆત કરશે.
રજૂઆતમા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂા. 20 કરોડનાં ખર્ચે એન.એફ.ડી.ડી. હોલનું વર્ષ 2011માં કેમેસ્ટ્રી ભવનનુ નિર્માણ કરવામાં આવ્યું હતુ. જેમાં રૂા. 1.50 કરોડનું એનએમઆર સહિતનાં મશીનો હતા અને તેથી વિદ્યાર્થીઓ અને સંશોધકો સંશોધન કરતા હતા અને લેબ ટેસ્ટ પણ થતાં હતા. જોકે યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને કારણે હાલ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતા એન.એફ.ડી.ડી હોલને અલીગઢી તાળા લાગી ગયા છે. વધુમાં જણાવવાનુ કે કાઠીયાવાડી અશ્ર્વ સંશોધન અને સંવર્ધન પ્રોજેક્ટની શરૂઆત 2010થી કરવામાં આવેલી હતી. તેનો હેતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાઠીયાવાડી અશ્ર્વ વિશે જાગૃતિ આવે અને લોકોમાં કાઠીયાવાડી અશ્ર્વ વિશે શોખ કેળવાય તેમજ લુપ્ત થતી કાઠીયાવાડી અશ્ર્વની પ્રજાતિને બચાવી શકાય તેવા હેતુથી તે સમયના મુખ્યમંત્રી દ્વારા તે સમયે આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ હતો તેમાં કુલ 52 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી તેમાંથી 27 લાખના ખર્ચે સેડ બનાવવામાં આવેલો હતો પરંતુ સમય જતા રસ અને રૂચિના અભાવે આ પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયેલો હતો. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાઠીયાવાડી અશ્ર્વોની જાળવણી માટે શેડ પણ તૈયાર છે. યુનિવર્સિટી દ્વારા બાકી રહેલી રકમ પણ પશુપાલન ખાતામાં જમા કરાવી દીધા પણ છે. જો આ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અશ્ર્વ સવારી માટેનું કૌશલ્ય પણ વધારી શકાય તેમ છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંજૂર થયેલ ગીર ગાય પ્રોજેક્ટનો અમલ કરવામાં આવે તો ગીર ગાય સંબંધિત અભ્યાસ તેમજ ગૌ આધારિત ખેતી માટે સમાજને નવી રાહ ચિંધી શકાય તેમ છે. ઉપરોક્ત બંને વિદ્યાર્થીલક્ષી મુદ્દે સૌ.યુનિ. પાસેથી તાત્કાલિક રિપોર્ટ મંગાવી ફરી પ્રોજેક્ટો શરૂ કરવા માંગ કરી હતી જેમાં કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહીતસિંહ રાજપુત, એનએસયુઆઈ પ્રદેશ ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ, પ્રદેશ મહામંત્રી ઈશ્ર્વર ડામોર અને કરણ મોદી જોડાયા હતા.