માંગરોળથી સાગર પરિક્રમા યાત્રા – 2022ના બીજા ચરણનો પ્રારંભ કરાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારના મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા-2022ના બીજા ચરણનો માંગરોળથી પ્રારંભ કર્યો હતો. આ સાથે મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વાયરલેસ ઈન્ફયુલેટેડ વ્હીકલના લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સાગરખેડુઓના ઉત્કર્ષ માટે પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ માતબર રૂપિયા 20,000 કરોડનું જંગી અનુદાન ફાળવ્યું છે. આ સાથે જ મત્સ્ય ક્ષેત્રના આંતરમાળખાકીય વિકાસ માટે રૂપિયા 15,000 કરોડના બજેટની જોગવાઈ કરી છે. એટલું જ નહીં માછીમારોના વિકાસ માટે અને આ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ એક અલાયદા મંત્રાલયની રચના કરી છે. દેશ-ગુજરાતમાં ડીપ ફિશિંગ વણખેડ્યું રહ્યું છે. ઉપરાંત મત્સ્યદ્યોગ ક્ષેત્રે પ્રોસેસિંગના વિકાસની અપાર સંભાવના રહેલી છે. ત્યારે આ દિશામાં નવીન ટેકનોલોજી અપનાવી મત્સ્યદ્યોગને વેગ આપી શકાશે. દરિયા કિનારા નજીક માછલીઓ મળતી નથી. જેથી ભારત સરકારે સ્ટોક રિન્ચિંગ માટે જુદાજુદા પગલાં લઈ રહી છે.આ યાત્રા પ્રવાસ કે ટુરીઝમ માટે નથી પરંતુ માછીમાર સાગર ખેડુઓના જુદાજુદા પ્રશ્નો સમસ્યાઓનો તાગ મેળવી શકાય, જળ સૃષ્ટિ જાણી શકાય, માછીમાર સમુદાયના આવાસ-નિવાસ અને સંસ્કૃતિની જાણકરી મળી રહે અને નવા બનેલા આ મંત્રાલય નીતિ ઘડતરમાં પણ ઇનપુટ્સ આપી શકાય.