આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને મંત્રી ભાનુબેન બાબરીયાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધોરણ 12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. આ ઉપરાંત વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ 99.82 ટકા પરિણામ હાંસલ કર્યું છે.
ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્યા છે. રાજ્યમાં અનુસુચિત જાતિ અને વિકસતી જાતિ હસ્તકની સામાન્ય પ્રવાહની કુલ 36 શાળાઓ કાર્યરત છે જેમાં 729 વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓમાંથી 728 વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી 99.82 ટકા પરિણામ મેળવ્યું છે.
અનુસુચિત જાતિ કલ્યાણ હસ્તકની કુલ 8 આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતાં તમામ 179 વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં ડિસ્ટીંકશન સાથે 133 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ફર્સ્ટ ક્લાસ સાથે 40 વિદ્યાર્થીઓ તેમજ સેક્ધડ ક્લાસ સાથે 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તેવી જ રીતે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની કુલ 28 આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતાં 550 વિદ્યાર્થીઓમાંથી 549 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 99.82 ટકા પરિણામ મેળવ્યું છે.