ખાસ-ખબર સંવાદદાતા
જો આપે ગઈકાલે બુધવારે ગુગલનું હોમપેજ ખોલ્યુ હશે તો આપના મોંમા પાણી અવશ્ય આવી ગયુ હશે. ગુગલ પાણીપુરી મતલબ કે ગોલગપ્પા પર ખાસ ‘ડુડલ’ બનાવ્યું હતું. જેમાં તેની સાથે જોડાયેલી ગેમ ખૂબ જ મજેદાર હતી.
આ ડુડલનાં બારામાં ગુગલે જણાવ્યું હતું કે, માસ્ટર શેફ નેહા શાહનાં માર્ગદર્શનમાં ઈન્દોરનાં એક રેસ્ટોરન્ટમાં આઠ વર્ષ પહેલા 12 મી જુલાઈ 2015 માં પાણીપુરીની 51 રેસીપી પીરસવામાં આવી હતી અને આ આયોજનને લઈને એક સ્થાનિક ફર્મ અને સ્થાનિક હિન્દી અખબારે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો. ફાર્મનાં સંચાલક રાકેશ દાવાણીએ જણાવ્યું હતું કે, ગુગલે પાણીપુરી પર ડુડલમાં અમારા રેકોર્ડનો ઉલ્લેખ કર્યો છે. આથી અમે ગૌરવ અનુભવીએ છીએ.
- Advertisement -
પાણીપુરી પર બનેલા આ વિશ્વ રેકોર્ડની કથા પણ રસપ્રદ છે દાવાણીએ જણાવ્યું હતું કે, અમે 12 જૂલાઈ 2015 માં અમારા ફાર્મની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. ત્યારે કંઈક જરા હટકે આયોજન કરવા માંગતા હતા. અમે પાણીપુરીનાં બારામાં એક રેકોર્ડ સર્જવાનું વિચાર્યું હતું. કારણ કે ભારતમાં આબાલ વૃદ્ધ પાણીપુરી ખાવાના શોખીન હોય છે. એટલે અમે માસ્ટર શેફ નેહા શાહનાં માર્ગદર્શનમાં અલગ અલગ 51 રેસીપીથી પાણીપુરી બનાવી હતી. જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે લીધી હતી અને વિશ્વ રેકર્ડનું પ્રમાણપત્ર આપ્યુ હતું.