ગૂગલ પોતાના ફેલાવા અને પ્રભાવનો દુરુપયોગ કરીને મોનોપોલી સ્થાપતું હોવાનો સ્ટાર્ટઅપ્સનો આરોપ
નિષ્ણાંતોના મતે વૈકલ્પિક એપ સ્ટોર બનાવવો આસાન નહીં હોય, એમાં પણ જો સરકારને સામેલ કરાશે તો વળી નવી સમસ્યાઓ પેદા થશે
ગૂગલે પ્લે સ્ટોરના નિયમોમાં કરેલા કેટલાક ફેરફારોના પગલે ભારતના કેટલાક મોટા સ્ટાર્ટઅપ્સ અને ગૂગલ વચ્ચે બરાબરની જામી પડી છે. જાણકારોના મતે આ ટક્કરની ભારતીય ઈન્ટરનેટ ઉદ્યોગ પર મોટી અસર પડી શકે છે. ગૂગલના નવા નિયમો મુજબ હવે એપ ડેવલપર્સ માટે એપ્લિકેશન્સની ખરીદી કંપનીના પોતાના બિલિંગ સિસ્ટમથી કરવી ફરજિયાત થઈ ગઈ છે. આના કારણે ભારતીય સ્ટાર્ટઅપના સ્થાપકોમાં નારાજગી છે અને એમનો આરોપ છે કે ગૂગલ પોતાના ફેલાવા અને પ્રભાવનો દૂરુપયોગ કરી રહ્યું છે.
બીબીસીએ આ મુદ્દે વિસ્તૃત અહેવાલ કર્યો છે તેમજ અન્ય કેટલાક ન્યૂઝ રિપોટર્સમાં કહેવાયુ છે કે, ભારતીય સ્ટાર્ટઅપમાં એ 30 ટકા કમિશન અંગે પણ ચિંતાનો માહૌલ છે જે લેવાની વાત ગૂગલ કરી રહ્યું છે.
કેટલાક સ્ટાર્ટઅપ્સના મતે જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે એ ખુબ જ વધારે છે. જેના કારણે કેટલાક સ્ટાર્ટઅપ્સ મળીને ગૂગલ પ્લે સ્ટોરને બાયપાસ કરવાનો એટલે કે એનો એક વિકલ્પ તૈયાર કરવાની દિશામાં પણ વિચારણા કરી રહ્યાં છે.
- Advertisement -
જોકે, નવેમ્બરમાં ભારતીય એન્ટી ટ્રસ્ટ નિયામકે ટીપ્પણી કરી હતી કે ભારતીય માર્કેટમાં પોતાની શક્તિઓનો દુરુપયોગ કરવાની ગૂગલની પોલીસીની તપાસ કરશે. ભારતીય સ્ટાર્ટઅપ્સ આ ટીપ્પણી અને ભારત સરકારને ખુબ જ આશાની દૃષ્ટિએ જોઈ રહ્યાં છે. ગૂગલના બદલે ભારતીય વૈકલ્પિક એપ સ્ટોર બનવા અંગેની સ્થિતિ હાલ તો સ્પષ્ટ નથી, પણ જો મોટી સંખ્યામાં કંપનીઓ આમાં રસ લે તો ભારત સરકાર આના પર ગંભીરતાથી વિચાર કરી શકે છે. નિષ્ણાંતોના મતે વૈકલ્પિક એપ સ્ટોર બનાવવો આસાન નહીં હોય અને એમાં પણ જો સરકારને સામેલ કરાશે તો ભારતીય કંપનીઓ અને ગ્રાહકો બન્નેને અલગ પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.
ગૂગલે જોકે ભારતીય કંપનીઓના આરોપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે તે અગ્રણી ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવા તૈયાર છે. ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વાસમાં લેવા કેટલાક સેશન્સના પણ આયોજનો કરી રહી છે.
એન્ડ્રોઈડનું ચલણ અને ગૂગલની મોનોપોલી
- Advertisement -
ગૂગલ ઈન્ટરનેટના વિશ્વપર મોનોપોલી સર્જીને સ્થાનિક કંપનીઓને પોતાને મનફાવે તેવા નિયમોનું પાલન કરતું હોવાના આરોપો નવા નથી. ગૂગલની આ નીતિ માત્ર ભારત પૂરતી મર્યાંદિત પણ નથી. જોકે, હવે ભારતીય સ્ટાર્ટઅપ્સ ખુલીને આ વાત કહી રહ્યાં છે કે ગૂગલે એપ સ્ટોરના નિયમો બદલીને ભારતીય કંપનીઓને હાંસિયામાં ધકેલી દીધી છે. ભારતમાં વેંચાતા મોટાભાગના સ્માર્ટફોન ગૂગલના એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ચાલે છે. આ રીતની લૂંટ તો એપલ પણ ચલાવી રહ્યું છે, પણ ભારતમાં એન્ડ્રોઈડ ફોન્સની તુલનાએ એપલના ફોન્સનો હિસ્સો બહુ ઓછો છે.
ગૂગલ પહેલેથી જ ભારતમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકન સરકારે પણ મોનોપોલી સ્થાપતા નિર્ણયોના પગલે કંપની પર કેસ કર્યો છે. આમ છતાં ભારત સરકાર અથવા સ્થાનિક સ્ટાર્ટઅપ્સ માટે ગૂગલને ટક્કર આપવી આસાન નહીં હોય કારણ કે ગૂગલની પહોંચ ખુબ જ વિશાળ છે અને તે પોતાનો ફેલાવો સતત વિસ્તારી જ રહ્યું છે. જુલાઈમાં જ ગૂગલે ભારતમાં આવનારા સાત વર્ષમાં દસ બિલિયન ડોલરનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે. જેનાથી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના મહત્વાકાંક્ષી સ્વપ્નને વેગ મળવાની શક્યતા છે. એ રીતે ડિજિટલ ઈન્ડિયા પર પણ બધી રીતે ગૂગલની સારી એવી પકડ છે.
પેટીએમ અને મેક માય ટ્રીપ સહિતની 150 કંપનીઓનું ગૂગલ સામે ગઠબંધન
પેટીએમ, મેક માય ટ્રીપ અને ભારત મેટ્રિમની સહિત 150 જેટલી કંપનીઓએ ગૂગલની કથિત અન્યાયી નીતિ-રીતી સામે ગઠબંધન કર્યું છે. એટલું જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ ડેવલપર્સ ગૂગલની નીતિઓનો વિરોધ કરી રહ્યાં છે. સપ્ટેમ્બરમાં જ મ્યુઝિક સ્ટ્રિમિંગ એપ સ્પોટીફાઈ અને એપીક ગેમ્સ સહિતની કંપનીઓએ એક નોન-પ્રોફિટ સંગઠનની શરૂઆત કરી છે. જેથી એપલ અને ગૂગલ દ્વારા બદલાયેલા નિયમોનો સંગઠીત વિરોધ કરી શકાય. જોકે, પેટીએમ ગૂગલનો વિરોધ કરે એ પણ સ્વાભાવિક છે કારણ કે ગેમ્બલિંગ એટલે કે જુગાર વિષયક નીતિઓના ભંગ બદલે ગૂગલે પેટીએમને એપ સ્ટોર પરથી હટાવી દીધી હતી. એટલે પેટીએમના વિજય શેખર શર્મા ગૂગલના સૌથી મોટા ટીકાકાર છે.
ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને એપ્સ સુધીનું બધું જ ગૂગલદેવની દયા પર
ભારત મેટ્રિમનીના સ્થાપક મુરુગાવલ જાનકીરમણે એક નિવેદન કરેલું કે, ‘ગૂગલે ભારતીય ઈન્ટરનેટ માર્કેટ પર મોનોપોલી સ્થાપી દીધી છે. ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને એપ્લિકેશન્સ સુધીનું બધું જ ગૂગલદેવની દયા પર છે.
ભારતીય સ્ટાર્ટઅપ્સનું ભાવિ એક વિદેશી કંપની કેમ નક્કી કરે?
મુરુગાવલ જાનકીરમણે ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’ને આપેલા એક ઈન્ટવ્યુમાં કહેલું કે, ‘એક અમેરિકન અથવા તો વિદેશી કંપની ભારતીય સ્ટાર્ટઅપ્સની તકદીર નક્કી ન કરવી જોઈએ.’ ફિટેનસ એપ ગોકીના સ્થાપક વિશાલ ગોંડલે પણ એક ટ્વિટ કરીને ગૂગલની તુલના ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરીને લખેલું કે, ‘પરિવર્તન આવી રહ્યું છે.’ જોકે, કેટલાક લોકો આ સમગ્ર ઘટનાક્રમને વૈશ્વિક કોર્પોરેટ પોલિટિક્સના એક મોટા ખેલ તરીકે અને રાષ્ટ્રવાદની આડમાં વેપારના વિકાસના તકવાદ તરીકે જોઈ રહ્યાં છે.
વૈકલ્પિક એપ સ્ટોર : સ્થાનિક સ્ટાર્ટઅપ્સનો ઉત્સાહ અને મોદીનું પ્રોત્સાહન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક કંપનીઓને વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઓછી કરવાનું આહવાહન કરતાં રહ્યાં છે અને ચીન સાથેના સીમા વિવાદ બાદ તો એમણે આ વાત પર વધુ ભાર આપ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય કંપનીઓ પણ ગૂગલની દાદાગીરી વિરુદ્ધ વિરોધનો બૂંગિયો ફૂંકે. ઓક્ટોબરમાં જ ઉદ્યોગ મંત્રાલય સાથેની બેઠકમાં પેટીએમના વિજય શેખર શર્મા સહિતના સ્ટાર્ટઅપ સંગઠનના સભ્યોએ ગૂગલની મોનોપોલી ખતમ કરવા માટે વૈકલ્પિક એપ સ્ટોર વિકસીત કરવાનું સૂચન કર્યું હતું.
ડેટા પ્રોટેક્શન અને પ્રાઈવસીના પ્રશ્નો
એપ સ્ટોર ચલાવવા માટે ડેટા સિક્યુરિટી પણ ખુબ જરૂરી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગૂગલે પોતાના યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા લાખો ડોલરનું રોકાણ કર્યું છે જ્યારે ભારત સરકારના કાયદાઓ ડેટા પ્રોટેક્શનના મામલે કેટલા અસરકારક છે એ મુદ્દો વિચારણા માગી લે તેવો છે. એક સવાલ એવો પણ ઉઠી રહ્યો છે કે યુઝર ડેટાનો કમાન્ડ કોના હાથમાં રહેશે અને એનું શું થશે? જો સરકાર એ કમાન્ડ પોતાના હાથમાં રાખે અને યુઝર્સને સુરક્ષાનો ભરોસો આપે તો વાત બની શકે છે. સરકાર નેશનલ સિક્યોરિટીના નામે તમામ ડેટાનું એનાલિસિસ કરવા માંડે તો આ તો શું ભવિષ્યની પણ કોઈપણ સરકાર જોખમી બની શકે. આ મામલે સરકારની દાનત શંકાના ઘેરામાં છે કારણ કે ભારતના સોલિસિટર જનરલ મુકુલ રોહિતગીએ 2015માં સુપ્રીમ કોર્ટમાં કહેલું કે પ્રાઈવસી બંધારણ અંતર્ગત મૌલિક અધિકારમાં આવતી નથી. જોકે, આ દૃષ્ટિકોણને સુપ્રીમે નકારી કાઢ્યો હતો.


