રૈયાધાર વિસ્તારમાં બસ માટે ડેપો બનાવવાનું કામ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટને પ્રદૂષણ મુક્ત બનાવવા સીએનજી અને ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે. આગામી સમયમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના અંતર્ગત રાજકોટના નગરજનોને વધુ 100 ઈલેક્ટ્રિક બસ મળશે. આ નવી બસ આગામી ડિસેમ્બરથી માર્ચ માસની વચ્ચે આવી જશે.
મહાનગરપાલિકાના રાજકોટ રાજપથ લિ.ના સૂત્રોએ જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને પ્રધાનમંત્રી ઈ-બસ યોજના અંતર્ગત નવી 100 ઇલેક્ટ્રિક બસ મળનાર છે. આ નવી ઇલેક્ટ્રિક બસ આગામી ડિસેમ્બરથી માર્ચમાં વચ્ચે આવી જવાનો અંદાજ છે.
- Advertisement -
આ ઇલેક્ટ્રિક બસ આવી જતા લોકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડી શકાશે. આ ઉપરાંત સીએનજી અને ઇલેક્ટ્રિક બસ માટે બે ડેપો બનાવવાનું આયોજન કરાયું છે. જેના માટે રામાપીર ચોકડીથી સ્માર્ટ સિટી એરિયા તરફ જતા રોડ પર ગાર્બેજ સ્ટેશન પાસે 40000 ચો.મી. જગ્યા ફાળવવામાં આવી છે અને બસ ડેપો બનાવવાના ટેન્ડર બહાર પાડી કામ પણ આપી દેવાયું છે. આ નવા બસ ડેપો આગામી જૂન પહેલા તૈયાર થઇ જશે. તેમજ સીએનજી બસ માટે ગુજરાત ગેસ સાથે ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવા વાટાઘાટો ચાલી રહી છે. જોકે લાઈન ખેંચવાનો ખર્ચ વધુ હોવાથી હજુ સુધી ગુજરાત ગેસ તરફથી કોઇ જવાબ મળ્યો નથી.