ગત દિવાળીથી અત્યાર સુધીમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ 300 રૂપિયા ઘટ્યો છે
ખાદ્યપદાર્થોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સીંગતેલને લઈને લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભાવમાં દિવાળી બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2300 રૂપિયા પર પહોંચ્યો છે. ગત દિવાળીથી અત્યાર સુધીમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ 300 રૂપિયા ઘટ્યો છે. બજારની સામે આવેલ આંકડાકીય માહિતી મુજબ સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે જોવા મળ્યા. રાજકોટમાં માર્કેટીંગયાર્ડમાં મગફળીની ભરપૂર આવક થઇ રહી છે. છેલ્લા ચાર દિવસમાં 12900 ક્વિન્ટલ મગફળીની આવક થઇ છે તે જોતા આગામી સમયમાં સિંગતેલના ભાવ હજુ વધારે ઘટે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે. કપાસિયા તેલના ભાવ પણ હાલ 2200 થી 2280 રૂપિયા પર પહોંચ્યા છે.. તો સોયાબીન તેલના ભાવ પણ 15 કિલોના ડબ્બાએ 2250 થી 2300 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે સનફલાવર ઓઇલના ભાવ 15 કિલોના ડબ્બાએ 2 હજાર રૂપિયાથી લઇને 2150 રૂપિયા જેટલા જોવા મળી રહ્યા છે.. ઓવરઓલ બધા તેલના ભાવમાં હાલ ઘટાડો નોંધાયો છે. સીંગતેલના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાનું કારણ મગફળીના મબલખ ઉત્પાદન માનવામાં આવી રહ્યું છે.
- Advertisement -
છેલ્લા ચાર વર્ષના સીંગતેલના ભાવ
જ્યારે છેલ્લા ચાર વર્ષના સીંગતેલના ભાવ જોઈએ તો 2021માં નવેમ્બર મહિનામાં 2300 ભાવ જોવા મળ્યો હતો. જેના બાદ સૌથી વધુ 2022માં ઓગસ્ટ મહિનામાં પ્રતિ ડબ્બે 32,00 રૂપિયા ભાવ થયો હતો જ્યારે તેના બાદ 1 વર્ષ પછી 2023માં ઓગસ્ટ મહિનામાં ઘટીને 3100 રૂપિયા થયો હતો. અને એ જ વર્ષમાં એક મહિનાની અંદર એટલે કે 2023માં 100 રૂપિયાનો ઘટાડો થતા અનુક્રમે સપ્ટેમ્બર મહિનામાં 3000 અને ઓક્ટોબર મહિનામાં 2900એ પંહોચ્યો હતો. જેના બાદ સીંગતેલના ભાવ 2024માં નવેમ્બર મહિનામાં 2600એ પંહોચ્યો હતો. અને હવે 2025માં એપ્રિલ મહિનામાં પ્રતિ ડબ્બે સીંગતેલનો ભાવ 2300એ પંહોચ્યો છે. એકંદરે કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોમાં સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થયો છે. ખાદ્યતેલોમાં સૌથી વધુ સીંગતેલનો વપરાશ થાય છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતો ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી. જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા સીંગતેલનો ભાવ 1750 રૂપિયા હતો.
મગફળીનું મબલખ ઉત્પાદન
- Advertisement -
મગફળીનું મબલખ ઉત્પાદન થવાના કારણે સરકારે પણ નાફેડ હસ્તકની મગફળીનું વેચાણ કર્યું છે અને ખેડૂતો પણ સ્ટોક કરેલ મગફળીની વેચવાલી કાઢતા બજારમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. સીંગતેલના ભાવ 2300એ પંહોચ્યો છે જ્યારે કપાસિયા તેલનો 2200 અને સોયાબિન તેલનો 2250 તેમજ સનફલાવર તેલનો ભાવ 2100 અને મકાઈ તેલના ભાવ 2050 રૂપિયાએ પંહોચ્યો છે.એકંદરે સિંગતેલ સહિત અન્ય તેલોમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.