ખાસ-ખબર સંવાદદાતા
સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું છે. ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે આગામી 25 ફેબ્રુઆરી રવિવારે પટેલ સમાજની 31 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને દાતાઓ દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારીઓ ઉઠાવવામાં આવી છે. આ સમૂહ લગ્નનું આયોજન શાહી ઠાઠમાઠથી કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આ સમુહ લગ્નમાં ભવ્ય મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેની તડામાર તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગોંડલ જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે સતત બીજા વર્ષે પટેલ સમાજની 31 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. કેટલાક માલેતુજારો દ્વારા લગ્નમાં મોટો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કેટલાક સામાજિક અગ્રણીઓ પોતાના પરિવારજનોના લગ્નમાં લખલૂટ ખર્ચ કરવાને બદલે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મદદરૂપ થવાનું આયોજન કરે છે. એવો જ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ ગોંડલ માં યોજવા જઈ રહ્યો છે. 25 ફેબ્રુઆરી રવિવાર ના બપોર બાદ પટેલ સમાજની 31 દીકરીઓના સમુહ લગ્ન યોજાશે.
આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે. રવિવાર બપોરે 2.00 કલાકે જાન આગમન થશે. બપોરે 2.30 કલાકે ભવ્ય વરઘોડો પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે થી નીકળશે. સાંજે 5.00 કલાકે 31 દીકરીઓના હસ્ત મેળાપ થશે. સાંજે 6.00 કલાકે ભોજન સમારંભ અને સાંજે 8.00 કલાકે ક્ધયા વિદાય થશે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારની દીકરીઓ આ સમહુ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્ન સમારોહમાં સંતો – મહંતો, સામાજિક અગ્રણીઓ, રાજકારણીઓ, આગેવાનો, સાંસદો, ધારાસભ્યો અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને લેઉવા પટેલ સમાજ ગોંડલ ના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નમાં દીકરીઓને આપવામાં આવતા કરિયાવરમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે. નવ દંપત્તિ માટે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર્યાવરણમાં આવરી લેવામાં આવી છે. કરિયાવર માં 100 થી વધુ વસ્તુઓ અપાશે.
સૌરાષ્ટ્રમાં નાની ઉંમરના હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. સમૂહ લગ્નમાં અજુગતી ઘટના ન બને તે માટે તબીબોની ટીમ ખડે પગે હાજર રહેશે સમુહ લગ્નમાં મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ અને મેડીકેર હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ઈમરજન્સી સારવાર કેન્દ્ર (મીની હોસ્પિટલ) ઉભી કરવામાં આવશે. જેમાં રાજકોટ અને ગોંડલ ના નામાંકિત ડોક્ટરો સેવા આપશે.
આ સમુહલગ્નને સફળ બનાવવામાં આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ બટુકલાલ ઠુમર, ગિરધરભાઈ વેકરિયા, લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા, દિપકભાઈ ઘોણીયા, કમલેશભાઈ ખૂંટ, કિશોરભાઈ ભાલાળા, શૈલેષભાઇ વેકરિયા, ડી. ડી. ઠુમર, ગોપાલભાઈ સખીયા, દિવ્યેશભાઈ લીલા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના સંગઠનો જેવા કે ખોડલધામ મુખ્ય સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ તેમજ સમાજના વિવિધ ગ્રૂપો આ સમુહલગ્નમાં સેવા આપવાના છે તો. આ તકે સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ આ ભવ્યાતિભવ્ય શાહી સમુહલગ્નોત્સવ માં ઉપસ્થિત રહેવા લેઉવા પટેલ સમાજના સૌ જ્ઞાતિબંધુઓ તેમજ વિવિધ સમાજના સૌ આગેવાનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપે છે.