વાહનોની 8થી 10 કિમી લાંબી લાઇનો લાગી, ડુંગળી રાખવા માટેની જગ્યાઓ પણ ઓછી પડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઇ હતી. સાથે સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની વિક્રમ આવક નોંધાઈ હતી. ડુંગળીની આવક સતત વધતા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા પણ ઓછી પડી હતી.
- Advertisement -
ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે હાઈવે પર વાહનોની 8થી 10 કિમી લાંબી લાઇનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યુ હતુ કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી. ખેડૂતોને ડુંગળીના 20 કિગ્રાના ભાવ 100 થી 500 રૂપિયા સુધી મળ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવ્યા હતા. પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાતા યાર્ડમાં ડુંગળી રાખવા માટેની જગ્યાઓ પણ ઓછી પડી રહી છે.
રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ આવક થઇ હતી, જેમાં ડુંગળી ભરેલા અંદાજે 600થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને હજુ પણ ડુંગળી ભરેલા વાહનોની આવક ચાલુ છે. જેમાં અંદાજે 80,000 ડુંગળીના કટ્ટાની આવક નોંધાઈ હતી. ડુંગળીની આવક વધી જતા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી રાખવા માટેની જગ્યા પણ ઓછી પડી હતી. બીજી બાજુ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઇ હતી. છેલ્લા કેટલાય દિવસથી મહુવા યાર્ડમાં રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક થઈ રહી છે.