10 કરોડની લોન મંજૂર કરાવવા જતાં 21 લાખ રૂપિયા ગુમાવ્યા
તાલુકા પોલીસમાં છેતરપિંડી અંગે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની સુખસાગર સોસાયટીમાં રહેતા અને ગોંડલ મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વિભાગમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતાં ચિરાગપરી સુરેશપરી પરીનામી ઉ.27એ ભાવનગરના હિરેનપરી ઉર્ફે શનિ સુરેશપરી ગોસ્વામી, અમદાવાદના સુરજ પટેલ, કોલકાતાના વાસુંદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાજિંદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં 21 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચિરાગપરીને કાલાવડ રોડ પર રેસ્ટોરન્ટ અને કાફે બનાવવું હોય નાણાંની જરૂરિયાત હોવાથી તેણે લોન માટે હિરેનપરીને વાત કરતાં તેણે અમદાવાદના સૂરજ પટેલનો પરિચય કરાવ્યો હતો અને ત્રણેય ફોનમાં વાતચીત કરતા હતા. લોનના કામ અર્થે સૂરજ પટેલ રાજકોટ આવ્યો હતો અને લોનની કાર્યવાહી શરૂ કરવા માટે ચિરાગપરી પાસેથી રૂ.5 લાખ લીધા હતા. ત્યારબાદ રૂ.10 કરોડની લોન આપનાર બેંક જોવા માટે કોલકાતા જવું પડશે તેમ કહી સૂરજ પટેલ પોતાની સાથે મુંબઇથી હિરેન અને ચિરાગને કોલકાતા લઇ ગયો હતો અને ત્યાં એક બેંકની મુલાકાત કરાવી હતી. ત્યાં બેંકના કર્મચારી તરીકે વાસુંદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાજિંદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તી સાથે પરિચય કરાવ્યો હતો અને ત્યાં લોન અંગે આ લોકો સાથે ચિરાગપરીને વાતચીત કરાવી હતી અને બાદમાં ત્રણેય મુંબઇ આવી ગયા હતા થોડા દિવસ બાદ સૂરજ પટેલે કહ્યું હતું કે, 10 કરોડની લોન થઇ જશે, લોનના એગ્રીમેન્ટ માટે પૈસા આપવા પડશે, જેથી ચિરાગપરીએ તે પૈકીના રૂ.6.20 લાખનું આંગડિયું કર્યું હતું. બાદમાં તા.15 મે 2024ના એગ્રીમેન્ટ માટે ચિરાગપરીને મુંબઇ બોલાવ્યા હતા અને ત્યાં રૂ.2 લાખ એકાઉન્ટ માટે અને રૂ.3 લાખ તેના ચાર્જ પેટે વસૂલ્યા હતા. બાદમાં સૂરજ પટેલે કહ્યું હતું કે, લોન મંજૂર કરાવવા માટે ઉપર સાહેબોને રૂ.6.20 લાખ આપવા પડશે તેમ કહેતા ચિરાગપરીએ તે રકમ પણ આપી હતી. એ રકમ ચૂકવાતા ગઠિયાઓએ ચિરાગપરીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. થોડા દિવસ બાદ ચિરાગપરીએ તે એપ્લિકેશન ચેક કરતાં તેમાં રૂ.10 કરોડની બેલેન્સ જમા થયાનું દેખાડ્યું હતું. જોકે ચિરાગપરીએ તે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે રકમ ઉપડી શકી નહોતી. ચિરાગપરી પાસેથી રૂ. 21 લાખ ખંખેરી લીધા બાદ આરોપીએ ફોન સ્વીચઓફ કરી દીધો હતો.