રાજકોટ પોલીસ ભરતી કૌભાંડ સંબંધિત હત્યાના પ્રયાસ કેસ
કરોડોની રકમ પરત ન આપવા સ્યુસાઈડ નોટ અને ગુમ થવાનું કાવતરું રચાયું હોવાની બચાવ પક્ષની દલીલ; કોર્ટે જામીન એ નિયમ અને જેલ તે અપવાદના સિદ્ધાંતને માન્ય રાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના પોલીસ ભરતીના ટ્રેનિંગ ક્લાસિસના નામે અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવી લેવાના અને તે રકમ પરત ન કરવાના વિવાદમાં થયેલા હત્યાના પ્રયાસના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. ગોંડલના મહે. એડિશનલ સેશન્સ જજ સાહેબે મેટોડા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સહિત આજીવન સજાને પાત્ર ગુનાના કામે ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ, ફરિયાદી દિલીપ વિનુભાઈ વીરડા (રહે. શાસ્ત્રીનગર, ગાંધીગ્રામ)ના ભાઈ વિશાલે આરોપી વિજય મકવાણા પાસેથી પૈસા લીધા હતા, જે તે પરત કરી શકતો નહોતો. આ ખાર રાખીને આરોપી વિજય મકવાણા તથા ત્રણ અજાણ્યા આરોપીઓએ ફરિયાદી દિલીપ વીરડા કાલાવડથી રાજકોટ આવતા હતા ત્યારે તેમની કારને વળવાજડી ગામના ગેઇટ પાસે આંતરી હતી. મોટર સાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ લાકડા તથા ધોકા વડે કારના કાચ તોડીને ફરિયાદી તથા તેમની સાથે રહેલ વ્યક્તિને માર માર્યો હતો. આરોપીઓએ “તારો ભાઈ વિશાલ ક્યાં છે? વિજયભાઈના પૈસા દેતો નથી, આજે તો તને પતાવી જ દેવો છે,” તેમ કહીને હુમલો કર્યો હતો. આ અંગે મેટોડા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ આરોપીઓ વિજય મકવાણા સહિત અન્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ (વિજય મકવાણા, દિલિપ રાઠોડ, વિજય વાસાની, મુકેશ મહેતા અને અબ્બાસ રાઠોડ) એ અલગ-અલગ ત્રણ જામીન અરજીઓ કરી હતી.
બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે: ફરિયાદીના ભાઈ વિશાલે લીધેલ રકમ પરત ન કરવી પડે તે માટે કાનૂની સલાહકારની સલાહથી આખો બનાવ ઊભો કર્યો છે, જેમાં રકમ મેળવનાર વિશાલ વીરડા, તેનો ભાઈ (ફરિયાદી) અને પિતાશ્રી સહિતનાઓએ કાવતરું ઘડી સ્યુસાઇડ નોટ તથા ગુમ થવાનું નાટક કર્યું હતું. કારમાં બેઠા હોય ત્યારે ધોકાથી માથામાં ઈજા ન થઈ શકે, છતાં ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવી છે. આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા ન હોવાથી ’સિન્ડિકેટ રચી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ’ કરેલનો પ્રશ્ન અસ્થાને છે. જામીન ન મળવા તે ભારતીય બંધારણના આર્ટિકલ 21 હેઠળની વ્યક્તિગત સ્વતંત્રતાના હક પર તરાપ મારવા સમાન છે. સરકાર અને મૂળ ફરિયાદી પક્ષે જામીન અરજીનો સખતાઈથી વિરોધ કર્યો હતો. જોકે, બંને પક્ષોની રજૂઆતો અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં લેતા, ગોંડલના મહે. એડી. સેશન્સ જજ સાહેબે **”જામીન એ નિયમ અને જેલ તે અપવાદ”**ના સિદ્ધાંતને ધ્યાને લઈ પાંચેય આરોપીઓની ત્રણેય જામીન અરજીઓ મંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે. ઈજા પામનારને સારવારમાંથી રજા આપી દેવાઈ હોવાની હકીકતને પણ કોર્ટે લક્ષમાં લીધી હતી.
- Advertisement -
આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, સાવન પરમાર, ભુવનેશ શાહી સહિતના વકીલોની ટીમ રોકાયેલી હતી.



