ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે દેશસેવાનો એક અનોખો અવસર આંગણે આવી ઉભો છે. અગ્નિશામક સેવા, આકસ્મિક સેવા, વાહન વ્યવહાર સેવા, પુરવઠા સેવા સહિતના નાગરિક સંરક્ષક દળમાં જોડાઈને દેશમાં સલામતી અને સંકટ સમયે રાહત કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો.દેશસેવા કરવાની ઈચ્છા હૃદયમાં સંભાળી બેઠેલા દરેક નાગરિક માટે આ એક સુવર્ણ અવસર છે. જ્યાં તમે તમારો રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરી શકો છો. જ્યારે દેશને તમારી જરૂર હોય ત્યારે આગળ આવી અને સેવાના મહાસાગરમાં કાર્ય કરી તમારૂ સમર્પણ દર્શાવી શકો છો.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાનો નાગરિક શિસ્ત અને સંચાલનની પ્રતિમૂર્તિ વોર્ડન સેવા, જોખમ સામે જીવની બાજી લગાવનારા યોદ્ધાઓ અગ્નિશામક સેવા, આપત્તિમાં આશા આપનાર રક્ષકો આકસ્મિક સેવા, ટ્રાફિકને સરળતા અને સલામતી આપતી વાહન વ્યવહાર સેવા, જરૂરિયાતોની કડી સરખી રાખનારી સૂત્રધાર પુરવઠા સેવા, સંપત્તિને સંરક્ષિત રાખતી હિંમત મિલકત બચાવ સેવા, કલ્યાણ, તાલીમ અને બચાવ સેવાઓમાં જોડાઈ શકે છે.
આ માટે અરજદાર ભારતના નાગરિક હોવા જોઈએ તેમજ ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. અરજદાર ઓછામાં ઓછું ધોરણ 4 પાસ હોવા જોઈએ, જેમાં સ્ત્રી કે પુરુષ બંને જોડાઈ શકે છે. જેમાં તંદુરસ્ત શરીર અને સતર્ક મન હોવું જરૂરી છે. આ માટે નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા કલેકટર કચેરી (ડિઝાસ્ટર શાખા), જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પ્રાંત કચેરી વેરાવળ અને ઉના, તમામ મામલતદાર કચેરીઓ, તમામ પોલીસ સ્ટેશનો, તમામ તાલુકા પંચાયત કચેરી, નગરપાલીકા કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. અરજી ફોર્મ ઉપલબ્ધ છે. તુરંત જ ફોર્મ ભરીને ઉપરના પૈકી કોઈ પણ કચેરીએ રૂબરૂમાં જમા કરાવી દેશસેવાનો સંકલ્પ લઈ શકાય છે. વધુમાં આપનું રજીસ્ટ્રેશન કરી શકાશે. આ ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો, આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ (જો હોય તો)જોડવાનાં રહેશે.



