ગ્રાહકોએ સરેરાશ સાત ગ્રામ સોનું ખરીદ કર્યુ: ગત વર્ષે રૂા.50 થી 5 ગ્રામની ખરીદી કરી હતી: આવતા મહિનાઓના અન્ય તહેવારોમાં પણ ચળકાટ રહેવાનો આશાવાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગુજરાત સહીત સમગ્ર ભારતમાં આ વખતે રક્ષાબંધનના દિવસે જ લોકોએ સોનાની વધુ ખરીદી કરી હતી. ગત વર્ષે ભારતીયોએ 3.50 થી 4 ગ્રામ સોનુ ખરીદ કર્યું હતું તેની સરખામણીએ આ વખતે સાત ગ્રામની ખરીદી થઈ છે.કેન્દ્ર સરકારે આયાત જકાતમાં ઘટાડો કર્યો હોવાથી ભાવ નીચા આવ્યાની અસર મનાય છે.
ઝવેરી બજારનાં સુત્રોએ કહ્યું કે, તહેવારોની સિઝનની શરૂઆત ‘શુભ’ થઈ છે. ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે રક્ષાબંધને સોનાની ખરીદીમાં સરેરાશ 50 ટકાનો વધારો માલુમ પડયો છે.
તહેવારોની સીઝનનો આ પ્રથમ તહેવાર હતો અને તેના આધારે શરૂઆત સારી થયાનું માની શકાય છે.છેલ્લા એક મહિનામાં વિશ્વસ્તરે સોનાના ભાવમાં 5.6 ટકાનો વધારો થયો છે.પરંતુ ભારતમાં આયાત જકાતમાં ઘટાડાથી સરેરાશ રૂા.2000 નીચા છે.ગત 22 જુલાઈએ 10 ગ્રામનો ભાવ 75541 હતો તે અંદાજીત 2000 નીચો છે. જોકે, બજેટ બાદ એક તબકકે ભાવ ઘટીને 70500 સુધી બોલાયો હતો તેની સરખામણીએ વધી ગયો છે. કેન્દ્ર સરકારના બજેટમાં સોના પરની આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી હતી તે અત્રે ઉલ્લેખનીય છે કે રક્ષાબંધને પવિત્ર ખરીદી કરનારા ગ્રાહકોએ સરેરાશ સાત ગ્રામ સોનુ ખરીદ કર્યુ હતું.
ગત વર્ષે તે પ્રમાણ 3.50 થી 4 ગ્રામ હતું. એક વર્ગ એવુ માને છે કે શેરબજારમાં વોલાટીલીટી વધી છે અને એકાદ કડાકો આવવાની અટકળો હોવાથી ગ્રાહકોનું ધ્યાન સોના તરફ ખેંચાયુ છે.સોનામાં ગત વર્ષે 20 ટકાનું રિટર્ન મળ્યુ હતું. ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં મુંબઈ શેરબજારનાં સેન્સીટીવ ઈન્ડેકસમાં ચાર ટકાનું ગાબડુ પડયુ હતું. જે પછી અમેરિકી અર્થતંત્રનાં પોઝીટીવ સંકેતોથી ગત સપ્તાહમાં રિકવરી આવી ગઈ હતી. જાણીતી જવેલરી કંપની જોયલુકાસનાં સીઈઓ બેબી જયોર્જનાં કહેવા પ્રમાણે રક્ષાબંધને વેચાણમાં 20 થી 25 ટકાનો વધારો માલુમ પડયો હતો ગ્રાહકની સરેરાશ ખરીદી રૂા.1.10 લાખની હતી ડાયમંડ જવેલરીમાં સરેરાશ ખરીદી 1.25 લાખ હતી.
- Advertisement -
ઝવેરીઓના કહેવા પ્રમાણે છેલ્લા દિવસોમાં વૈશ્વિક ભાવમાં વધારાથી ભારતીયોનો ડયુટી કાપનો લાભ ઘણા અંશે ઝૂંટવાઈ ગયો હતો. છતાં રક્ષાબંધને જે રીતે સારી ખરીદી થઈ છે તેને જોતા આગામી તહેવારોમાં પણ ડીમાંડ ઘણી સારી રહેવાનું માની શકાય છે. વિશ્વ સ્તરે ભૌગોલીક ટેન્શન ચાલી રહ્યું હોવાથી સોનાના ભાવ પ્રમાણમાં મજબુત જ રહી શકે છે. ભારતીયોની કમાણી સારી છે અને વધુ ખર્ચ કરી રહ્યા હોવાથી સોનાની રીટેઈલ ડીમાંડ સારી જ રહેવાનું મનાય છે. જાણકારોનાં કથન મુજબ સોનાના ભાવ તેજી તરફી જ રહે તેમ છે. સંતોષકારક વરસાદથી ગ્રામ્ય ડીમાંડનો આશાવાદ છે. અમેરિકામાં વ્યાજદર ઘટાડાથી પણ તેજીને ટેકો મળી શકે છે.
સોનાની કિંમત ઘટતાં ગોલ્ડ ઈટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો વધ્યાં
બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ સોનાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. નવા સોવરેન ગોલ્ડ બોન્ડને જારી કરવા અંગે અનિશ્ર્ચિતતા છે. આ કારણે રોકાણકારોનો રસ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ તરફ વધી રહ્યો છે. ફાઇનાન્શિયલ પ્લાનર્સ માને છે કે, રોકાણકારોએ ઓછામાં ઓછા 10 ટકા સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનાના ભાવમાં તાજેતરનો ઘટાડો એ લોકો માટે એક તક છે જેમણે હજુ સુધી સોનામાં રોકાણ કર્યું નથી.સરકારે તાજેતરના બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા જાહેરાત કર્યાં બાદ સોનાના ભાવ 6 ટકા ઘટીને 69,100 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે . સોનાએ છેલ્લા એક વર્ષમાં 21.10 ટકા રિટર્ન આપ્યું છે. વિશ્લેષકો માને છે કે, સોનું રોકાણમાં વિવિધતા લાવવામાં મદદ કરે છે. તેથી રોકાણકારોએ 5 થી 10 ટકા સોનામાં રોકાણ કરવું જોઈએ. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ચિરાગ મહેતા કહે છે કે જે રોકાણકારોએ હજુ સુધી સોનામાં રોકાણ કર્યું નથી તેમના માટે આ ઘટાડો વધુ સારી તક છે.