યુએસ ડોલર રેટ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાના પગલે કિંમતી ધાતુમાં મજબૂત ખરીદીના પગલે સોનામાં તેજી જોવા મળી છે. એમસીએક્સ પર સોનાનો 5 ઓગસ્ટ વાયદો રૂ. 72879 પ્રતિ 10 ગ્રામની સપાટીએ ખૂલ્યા બાદ 11 વાગ્યા સુધીમાં 73045ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે 11.02 વાગ્યે રૂ. 413ના ઉછાળા સાથે રૂ. 72931 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં સ્પોટ ગોલ્ડ 2368 ડોલર પ્રતિ ઔંશ, કોમેક્સ સોનું 2394.60 ડોલર પ્રતિ ઔંશની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદી પણ 1.59 ટકા ઉછાળા સાથે 30.55 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહી હતી. અમદાવાદમાં ગઈકાલે બુધવારે હાજર બજારમાં સોનાની કિંમત ગઈકાલના રૂ. 74400 પ્રતિ 10 ગ્રામના સ્તરે સ્થિર રહી હતી, જ્યારે ચાંદીની કિંમત રૂ. 100 વધી રૂ. 90500 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી.
- Advertisement -
યુએસ ડોલર બે માસના તળિયે
કિંમતી ધાતુમાં ઉછાળા પાછળનું કારણ યુએસ ડોલરની નબળાઈ છે. એચડીએફસી સિક્યુરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સોનાના ભાવ યુએસ ડોલર રેટ સાથે સીધી રીતે જોડાયેલા છે. જેમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે તો તેની અસર સોના-ચાંદીના ભાવ પર થાય છે. યુએસ ડોલર ઈન્ડેક્સ 104 નજીક પહોંચ્યો છે. ફોરેક્સ માર્કેટમાં ડોલરની કિંમત બે માસના તળિયે નોંધાઈ છે. જેના પગલે યુએસ ટ્રેઝરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. પરિણામે સોના-ચાંદીમાં ઉછાળો નોંધાયો છે.
યુએસ ફેડ રેટ કટની અસર
- Advertisement -
અમેરિકી ફુગાવો અપેક્ષિત રહ્યો છે. તેમજ સર્વિસ પીએમઆઈના ડેટા પર જારી થવાના છે. અમેરિકાના અર્થતંત્રની સ્થિતિમાં સુધારો અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો થવાથી સપ્ટેમ્બરમાં અમેરિકી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી તીવ્ર શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો આપી રહ્યા છે. જેના પગલે કિંમતી ધાતુમાં આકર્ષણ વધી શકે છે.
અમેરિકી જોબ ડેટા પર નજર
અમેરિકાના રોજગાર આંકડાઓ પર રોકાણકારો હાલ નજર રાખી રહ્યા છે. જે અમેરિકી અર્થતંત્રની સ્થિતિ વિશે સંકેત આપે છે. શુક્રવારે યુએસ જોબ ડેટા જારી થવાના છે. ત્યાં સુધી સોનું 72000-73800ની રેન્જમાં ટ્રેડ થવાનો આશાવાદ કોમોડિટી નિષ્ણાત આપી રહ્યા છે.