ધનતેરસ – દિવાળી પૂર્વે જ સોના – ચાંદીમાં ઐતિહાસીક તેજીથી ઝવેરીઓ – ગ્રાહકો સ્તબ્ધ
રાજકોટમાં 10 ગ્રામનાં 79900, વિશ્વ બજારમાં 2710 ડોલરની નવી ટોચે: તહેવારોમાં ખરીદી પર અસરની ચિંતા
- Advertisement -
2026 માં વિશ્વ સ્તરે સોનુ 3250 ડોલર તથા ભારતમાં 93000 થવાની નિષ્ણાંતોની આગાહી
ધનતેરસ-દિવાળીના તહેવારો પૂર્વે જ સોના-ચાંદીમાં ભાવો ઐતિહાસીક રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયા છે.હાજર બજારમાં સોનુ 80,000 ની નજીક પહોંચ્યુ છે તેવી જ રીતે ચાંદીનો ભાવ પણ 95000 ને આરે આવી ગયો હતો.
વિશ્વ સ્તરે સોના-ચાંદીમાં બે દિવસથી સતત ધરખમ ભાવ વધારો થઈ રહ્યો છે.ઈઝરાયેલ યુદ્ધ વધુ ભીષણ બનવાનાં ભણકારા, અમેરીકામાં ચૂંટણી, ભારત-કેનેડા વચ્ચે તંગ બનતા સંબંધો, દુનિયાની સેન્ટ્રલ બેંકોની ખરીદી સહીતના કારણોનો પ્રત્યાઘાત છે. આ સિવાય આવનારા દિવાળી-નાતાલનાં તહેવારોમાં ડીમાંડ વધવાની ગણતરીએ પણ તેજીને ટેકો મળી ગયો છે. આંતર રાષ્ટ્રીય સ્તરે બન્ને કિંમતી ધાતુના ભાવ ઓલ-ટાઈમ હાઈ થઈ ગયા છે. આજે સોનુ 2700 ડોલરની સપાટી કુદાવી ગયુ હતું અને 2710 ડોલર સાંપડયુ હતું. આજ રીતે ચાંદીનો ભાવ 32 ડોલરની સપાટી કુદાવીને 32.01 ડોલરનો ભાવ થયો હતો.
- Advertisement -
રાજકોટની માર્કેટમાં સોનાનો ભાવ 79900 સાંપડયો હતો જે 80,000 ની એકદમ નજીક પહોંચ્યો હતો. કોમોડીટી વાયદામાં તે 77600 ની સપાટી વટાવી ગયો હતો. હાજર ચાંદી 94800 થઈ હતી. કોમોડીટી વાયદામાં ભાવ 92700 હતો. સોનીબજારનાં વેપારીઓના કહેવા પ્રમાણે ધનતેરસ-દિવાળીના તહેવારો ટાણે જ ભાવો ભડકતા વેપારને વ્યાપક અસર થવાની આશંકા છે. હજુ ભાવ કયાં પહોંચશે તે સવાલ છે કારણ કે ચાર્ટ મુજબ ભાવ નવા ઝોનમાં આવી ગયુ છે. જાણકારો કેટલાંક વખતથી સોનાનો ભાવ 80,000 ને આંબી જવાની ભવિષ્યવાણી કરતા જ હતા.
તેઓની ધારણા કરતા પણ ભાવ આ સપાટીને વહેલો આંબી ગયો હતો કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો હોવાની પણ અસર છે. કોમોડીટી નિષ્ણાંતોનો અલગઅલગ અભિપ્રાય રહ્યા છે. એક વર્ગ એવુ માને છે કે સોનામાં ઓવરબોટની હાલત છે અને ગમે ત્યારે કરેકશન વચ્ચે ભાવ 75900 થી 75000 સુધી આવી શકે છે. ઈન્ડીયન બુલીયન જવેલર્સ એસોસીએશનનાં સુરેન્દ્ર મહેતાના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહીનાથી ચીને સોનાની ખરીદી બંધ કરી દીધી હોવા છતાં ભાવ તેજીના માર્ગે છે. 2326 સુધીમાં સોનાનો વૈશ્વિક ભાવ 3250 ડોલર થઈ શકે છે. ભારતમાં 93000 પહોંચી શકે.