આપણે જ્યારે ભગવાન પાસે કંઇ માગતા હોઇએ છીએ, ત્યારે આપણે ભક્ત હોઇએ છીએ કે ભિખારી? બ્રહ્માંડમાં કેટલા જીવો હશે? ઇશ્વર બધાની માગણીઓ સંતોષતો હશે? વિચારવા જેવો પ્રશ્ન છે. આપણું જ ઉદાહરણ લો. આપણી પાસે માગનારા લોકોને આપણે કેટલું આપીએ છીએ? ભિખારીને બે-પાંચ રૂપિયા, બોણી માગનારને પચાસ કે સો રૂપિયા, ઓફિસ સ્ટાફને એક પગારનું બોનસ અને ટ્રાફિકભંગની સજામાંથી બચવા માટે દંડની રકમ કરતાં થોડું ઓછું; સમય, સંજોગો અને સામેનું પાત્ર જોઇને આપણે પૈસા આપીએ છીએ. ઇશ્વર શું જોતો હશે? ઇશ્વર બીજું કશું જ જોતો નથી, પણ ભક્તની પાત્રતા જુએ છે. અબજો મનુષ્યો લગભગ આ જ માગતા હોય છે;
ઘર, ગાડી, ધન, સોનું, સંતાનસુખ, આરોગ્ય, પદ, પ્રતિષ્ઠા અને સત્તા. ભક્તિ સાચી હોય તો પણ બધાને બધું જ મળતું નથી. જો આપણાં કર્મો સારાં હશે, ભાવના સારી હશે અને પ્રયત્નો શ્રેષ્ઠ હશે તો જ ઇશ્વર તમને આ બધું આપશે. ઇશ્વર સાથે સોદાબાજીનો સંબંધ રાખનાર ભક્તની માગણી જ્યારે ઇશ્વર સંતોષતો નથી, ત્યારે એવો ભક્ત કહે છે, ’ઇશ્વર જેવું કશું છે જ નહીં. હું આખી જિંદગી ભક્તિ કરતો રહ્યો તો પણ ઇશ્વરે મને કંઇ આપ્યું નહીં.’ આવા માણસોએ સ્વ-નિરીક્ષણ કરવાની જરૂર છે.