ખાસ-ખબર સંવાદદાતા
ગ્લોબલ વોર્મિંગની સીધી અસર આપણી ઊંઘ પર પડી રહી છે. કોપનહેગન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ આપ્યું છે એ પ્રમાણે ગરમી વધી હોવાથી માણસની સરેરાશ વાર્ષિક ઊંઘ 44 કલાક ઘટી ગઈ છે. સ્લીપ ટ્રેકિંગ ડિવાઈસના આધારે આ તારણ આપવામાં આવ્યું હતું. 21મી સદીના માણસની સરેરાશ વાર્ષિક ઊંઘ 2920 કલાકની છે. એટલે કે આજનો માણસ એક દિવસમાં આઠ કલાકની સરેરાશ ઊંઘ કરે છે, પરંતુ હવે ધીમે ધીમે વાર્ષિક ઊંઘમાં ઘટાડો થવા માંડયો છે. સ્લીપ ટ્રેકિંગ ડિવાઈસના ડેટાનો અભ્યાસ કરીને ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે આજે માણસની સરેરાશ વાર્ષિક ઊંઘ 44 કલાક ઓછી થઈ ગઈ છે. આ ઊંઘ ઉડવા પાછળ જવાબદાર પરિબળનું નામ છે – ગ્લોબલ વોર્મિંગ. માણસ એમ માનતો હોય કે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર તેના ઘરમાં થવાની નથી તો એ હવે ભૂલ ગણાશે. ગ્લોબલ વોર્મિંગની અસર બેડરૃમ સુધી પહોંચી ગઈ છે. અહેવાલ પ્રમાણે રાતનું સરેરાશ તાપમાન ગત સદીની તુલનાએ એક ડિગ્રી વધારે રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો રાતે બે દશકા પહેલાં જેટલી ઠંડક રહેતી હતી એની સરખામણીએ ગરમી અનુભવાય છે. તેની અસર તમામ લોકોની ઊંઘ ઉપર પડવા માંડી છે. સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોની ઊંઘ પર પડી છે. પહેલાં લોકોની રાત વહેલી પડી જતી હતી. તેની તુલનાએ ગરમીના કારણે ઊંઘની શરૃઆત મોડી થાય છે. સવારે સૂર્યોદય પછી ગાઢ ઊંઘ આવતી નથી. સરવાળે ઊંઘના કલાકો ઘટતા જાય છે.
ગ્લોબલ વોર્મિંગથી લોકોની વર્ષે સરેરાશ 44 કલાક ઊંઘ ઘટી
