આવતીકાલે બોટાદમાં ખેડૂત સંમેલન
વિધાનસભા વિપક્ષ નેતાએ રાજ્ય સરકારને માવઠાના નુકસાન અંગે તાત્કાલિક સર્વે અને પાક વીમાની પણ માગણી કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં ’એક દિવસ, એક શહેર/જિલ્લો’ના કાર્યક્રમ અંતર્ગત જન આક્રોશ સભાની તૈયારીઓ વચ્ચે, વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોના પ્રશ્ને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડેલા માવઠાને કારણે ’જગતના તાત’ની સ્થિતિ દયનીય બની છે, પરંતુ સરકારનું વલણ સહાનુભૂતિપૂર્ણ નથી. ચાવડાએ જણાવ્યું હતું કે, માવઠા અને અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીના મામલે પણ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 9 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ સરકારે માત્ર 70 મણ જ ખરીદી કરવાની જાહેરાત કરી છે. તેમણે માંગ કરી હતી કે 70 મણ નહીં, પરંતુ ખેડૂતો પાસેથી પ્રતિ ખેડૂત ઓછામાં ઓછા 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે, અન્યથા ખેડૂતોને બાકીની મગફળી ઓપન બજારમાં વેચવી પડશે, જ્યાં વચેટિયા અને દલાલો કમિશન વસૂલીને તેમનું શોષણ કરે છે અને પૂરતા ભાવ મળતા નથી. અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે ખેડૂતોના હક્ક માટે કોંગ્રેસ પક્ષ ખેડૂત આંદોલન કરશે. આ આંદોલનના ભાગરૂપે, કોંગ્રેસ દ્વારા આવતીકાલે બોટાદ ખાતે ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું છે. તેમણે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો કોંગ્રેસના કાર્યકરો એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેશે નહીં.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલાં ખેડૂતોના 10 મુખ્ય પ્રશ્ર્નો છે
1. સરકારી ટેકાના ભાવે પાકની ખરીદી અપૂરતી થતી હોવાથી ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચવું પડે છે. સરકાર દ્વારા જાહેર કરાતા ટેકાના ભાવો ખેડૂતોના ખર્ચને પણ આવરી લેતા નથી.
2. પાક વીમા યોજનાના કાયદાકીય નિયમો એટલા જટિલ છે કે સાચા જરૂરિયાતમંદ ખેડૂતોને સમયસર અને પૂરતું વળતર મળતું નથી. વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપવાના બદલે માત્ર નફો કરી રહી છે.
3. ખેડૂતોને રાત્રે માત્ર અમુક કલાક જ વીજળી મળે છે, જેના કારણે સિંચાઈના કાર્યો રાત્રિના સમયે કરવા પડે છે. દિવસે પર્યાપ્ત અને નિયમિત વીજળી આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.
4. ખેતપેદાશોના ઓછા ભાવ અને વધતા જતા ખર્ચને કારણે ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે. ખેડૂતોની આર્થિક સંકડામણને કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે.
5. નર્મદા યોજનાનું પાણી રાજ્યના દરેક ખેડૂત સુધી પહોંચાડવાનો દાવો નિષ્ફળ ગયો છે. અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે.
6. ખાતર, બિયારણ અને જંતુનાશકોની ખરીદીમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છે. ગુણવત્તા વગરના કૃષિ સાધનોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે.
7. જમીન માપણીની કામગીરીમાં ભારે ગેરરીતિઓ હોવાના કારણે ખેડૂતોને જમીનના વિવાદોનો સામનો કરવો પડે છે.
8. ખેડૂત ઉપરાંત પશુપાલકો માટે ઘાસચારાની અપૂરતી વ્યવસ્થા અને પશુઓના આરોગ્ય માટેની યોજનાઓનો યોગ્ય અમલ થતો નથી.
9. કૃષિ અને સહકારી સંસ્થાઓમાં સત્તાધારી પક્ષના રાજકીય હસ્તક્ષેપને કારણે ખેડૂતોને યોગ્ય લાભ મળી શકતા નથી.
10. ખેતપેદાશોના યોગ્ય સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાગત સુવિધાઓનો અભાવ છે, જેના કારણે ખેડૂતોને બજારમાં નુકસાન વેઠવું પડે છે.
- Advertisement -
‘જે તણાઈ રહ્યું છે તે મગફળી નહીં, પણ ખેડૂતનો જીવ છે’
બંધ થયેલી પાક વીમા યોજના ફરી શરૂ કરવા લલિત કગથરાની માંગણી
દિવાળી બાદ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેને લઈને પૂર્વ ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયાએ ખેડૂતોની કથળતી સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગણી કરી છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સૌરાષ્ટ્રના ખેડૂતો પર કુદરત રૂઠી હોવાનું જણાવતા કહ્યું હતું કે, “વરસાદમાં જે તણાઈ રહ્યું છે તે માત્ર મગફળી નથી, પરંતુ ખેડૂતનો જીવ તણાઈ રહ્યો છે.” તેમણે સરકાર પાસે સર્વેની લાંબી પ્રક્રિયા કરવાને બદલે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપવાની જરૂર હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.



