પ્રજાને વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા પોલીસની અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં અગાઉ વ્યાજખોરોને નાથવા માટે લોક દરબાર યોજાયા બાદ હવે લોકો વ્યાજખોરોથી દૂર રહે અને પોતાની નાણાની જરૂરિયાત પૂરી કરવા સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવે તેવા હેતુસર ગઈકાલે મોરબી સીટી પોલીસ એ ડિવિઝનના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લોન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી અને ખાનગી બેંકો તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ લોન આપવા માટે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જાહેર લોન મેળામાં મોરબી નાગરિક બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક, જિલ્લા ઉધોગ કેન્દ્ર, ગોલ્ડ લોન તેમજ હોમ લોન અને ઉધોગની લોન આપતી સહકારી અને ખાનગી ફાઇનાન્સિયલ પેઢીઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સંસ્થાઓ દ્વારા લોકો વ્યાજખોરો પાસે જવાને બદલે વેપાર, ધંધા તેમજ પર્સનલ અને હોમ તેમજ ગોલ્ડ લોન કેવી રીતે મેળવી શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તો જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા વેપાર ધંધા માટે વિવિધ સરકારી યોજનાની નાણાકીય સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ લોકોને અહીંયા ફક્ત માર્ગદર્શન જ નહીં બહુ ઝડપથી યોગ્ય રીતે લોન મળી જાય તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.