ઇથિયોપિયા-માડાગાસ્કરમાં પણ નિકાસ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ જિલ્લમાં વિસાવદર તાલુકાના રતાંગ ગામે કેરીની સાથે કેરીની કલમ ની મોસમ પણ ખીલે છે. આ ગામના માત્ર 12 ધોરણ પાસ ખેડૂત છગનભાઇ મોહનભાઇ વેકરીયાએ આંબાની કલમમાં એવો કસબ અજમાવ્યો કે બીએસસી થયેલા તેમના પુત્ર સંજયભાઇએ નોકરીને બદલે બાગાયત ખેતીને અપનાવી લીધી. પિતા પુત્રએ ઉત્તમ ગુણવત્તાની કેરી માટે આંબાની કલમો બનાવીને અત્યાર સુધીમાં 3 લાખ કલમો વેચાણ પણ કર્યું છે. આ માટે તેમને ભારત સરકારનો એવોર્ડ મળી ચૂક્યો છે. સાથે કેસર કેરીની કલમોની નિકાસ માટે ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળ્યો છે.
સંજયભાઇના બગીચામાં વર્ષ 1998 માં માત્ર 300 આંબા હતા. વર્ષમાં એક વખત કેરીનો ફાલ આવે ત્યારે વેચાણ કરે એ તેમની આવક. જોકે, તેમના બગીચાની કેસર કેરી સારી ગુણવત્તાની હતી પરંતુ આંબામાંથી માત્ર કેરીની આવક થાય તેના કરતાં પણ તેની કલમો તૈયાર કરીને વધુ સારા આંબા તૈયાર થાય તો વધુ સારી કેરીનું ઉત્પાદન મેળવી શકાય એવા વિચાર સાથે 1 વર્ષમાં 500 ઉત્તમ ગુણવત્તાના આંબાની કલમો તૈયાર કરવાના ધ્યેય સાથે તેમણે કલમ તૈયાર કરી તેનું વેચાણ શરૂ કર્યું. તેમની કલમો થકી મળતી કેરીની ગુણવત્તા એટલી સારી હતી કે, છેક અમેરિકાના ફ્લોરીડા રાજ્યમાં એના થકી આખું આંબાવાડિયું તૈયાર થયું. આ ઉપરાંત ઇથિયોપિયા અને માડાગાસ્કર જેવા આફ્રિકન દેશોમાં પણ તેમની કલમો થકી આંબાવાડિયા તૈયાર થઇ ચૂક્યા છે.
1 લાખ કલમોનું વેચાણ કર્યું ગુજરાત સરકારે સંજયભાઇની ખેતીને ઉદ્યોગ ગણી તેમને ઉદ્યોગ રત્ન એવોર્ડ એનાયત કર્યો હતો. તેમને વર્ષ 2003 માં કેસર કેરીની શ્રેષ્ઠ ગુણવત્તા માટે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. ભારત સરકાર તરફથી તેમને એવોર્ડ અપાયો હતો. છેલ્લે વર્ષ 2017 માં તેમને કૃષિ રત્ન એવોર્ડ પણ મળ્યો છે. અત્યાર સુધીમાં તેઓ એક લાખ આંબાની કલમોનું વેચાણ કરી ચૂક્યા છે. વિદેશી સંશોધકો પણ આવે છે સંજયભાઈની કલમો થકી કેરીના સારા ઉત્પાદનમાં સફળતાને કારણે વિદેશમાંથી પણ ખેડૂતો, સંશોધકો તેમના ફાર્મની મુલાકાતે આવે છે અને કેસર તથા અમૃતાંગ જેવી કેરી માટે માર્ગદર્શન અને વિચાર વિમર્શ કરે છે.