સોરઠમાં ઠંડી વધતા જન જીવન પર અસર
શિયાળાની ઋતુમાં આજનો દિવસ સૌથી વધુ ઠંડો: હજુ વધુ ઠંડી પડશે – હવામાન વિભાગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં ઠંડીના ચમકારા સાથે ગિરનાર પહાડો પર 4 ડિગ્રી તાપમાન જોવા મળતા શિયાળીની ઋતુમાં આજનો દિવસ સૌથી વધુ ઠંડો રહ્યો છે જયારે શહેરમાં 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સોરઠ પંથકમાં ઠંડીનું જોર વધતા જન જીવન પર અસર જોવા મળી હતી. લોકોએ તાપણા અને ગરમ કપડાનો સહારો લેવા મજબુર બન્યા હતા. શહેરમાં ઠંડી વધતા લોકો ઠુંઠવાયા હતા.
શિયાળાની ઋતુમાં શહેર કરતા ગિરનાર પર્વત પર 4 થી 5 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટી જાય છે જેના લીધે ગિરનાર પર્વત પર આજે 4 ડિગ્રી તાપમાન રહેતા ગિરનાર પર્વત પર આવેલા ધર્મ સ્થાનોમાં સેવા પૂજા કરતા પૂજારી અને સેવકો ઠંડીના ચમકારાને મેહસુસ કર્યો હતો અને ગિરનાર પર્વત પર વેહલી સવારે આવતા યાત્રિકો ઠુંઠવાયા હતા અને ઠંડીની શીત લહેર સાથે કડકડતી ઠંડીનો એહસાસ સાથે ગિરનારની યાત્રા કરી હતી. આજ વેહલી સવારથી ભેજનું પ્રમાણ 82 ટકા જોવા મળ્યું હતું તેની સાથે ગાઢ ધુમ્મસ છવાતા સોરઠ પંથકના વાસીઓએ કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા.
ત્યારે હજુ આગામી દિવસોમાં ઠંડી વધશે તેમ હવામાન નિષ્ણાતો માની રહ્યા છે તાપમાનનો પારો હજુ આગામી દિવસોમાં નીચે જશે જેના લીધે ઠંડીનું જોર વધવાની પુરી શક્યતા જોવા મળી રહી છે ગિરનાર પર સીડી પર ધંધા રોજગાર કરતા વેપારીઓએ પણ તાપણાનો સહારો લેવો પડયો હતો જયારે આજનો દિવસ સૌથી વધુ ઠંડો રહેતા શહેરની ગરમ વસ્ત્રોની દુકાનોમાં ગરમ કપડાની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો.
- Advertisement -
જૂનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગની આગાહી
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુનો આજનો દિવસ સૌથી વધુ ઠંડો જોવા મળ્યો હતો અને અરબી સમુદ્રમાં હળવા દબાણના લીધે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં છુટાછવાયા કમોસમી વરસાદ પાડવાની આગાહી કેન્દ્રીય હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.અને હજુ ઠંડીનું જોર યથાવત રહશે તેમ હવામાન વિભાગનું કેહવું છે.