હાથમાં મશાલ અને અગ્નિને મસ્તક પર ધારણ કરી રાસ રમવા આતુર; નવદુર્ગા સાક્ષાત રમતાં હોવાની થાય છે અનુભૂતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટના મવડી ચોક ખાતે થતો સળગતી ઈંઢોણીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતો હોય છે. આ રાસ માટે બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. TRP ગેમઝોન અગ્નિકાંડ પછી આયોજકો પણ સતર્ક બન્યા છે અને તેઓ પણ માત્ર નવરાત્રિ જ નહિ, પરંતુ આ રાસની પ્રેક્ટિસ દરમિયાન પણ ફાયર સેફ્ટીનાં સાધનો સાથે રાખી બાળાઓને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.
રાજકોટના વિવિધ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ અને આયોજન જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના મવડીચોક વિસ્તારમાં શ્રીબજરંગ ગરબીમંડળ દ્વારા છેલ્લાં 16 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 17મા વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નવેય દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો માઁની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે.
શ્રીબજરંગ ગરબીમંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે એમાં માત્ર 6 બાળા પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે. એ વેળાએ માઁ દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાઇ હોય એવાં દૃશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે, જ્યારે આ ગરબીમંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માઁનાં ચરણમાં આપોઆપ નતમસ્તક થવાનું મન થાય છે, કારણ કે ભક્તિની શક્તિ વિના અને માઁના આશીર્વાદ વગર આ કરવું બિલકુલ સરળ નથી.
હાલ નવરાત્રિની પ્રેક્ટિસ ચાલી રહી છે, ત્યારે આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેક્ટિસ કરતી 6 બાળામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળાઓ કોઈપણ જાતના ડર વગર આ રાસ માટે પ્રેક્ટિસમાં લાગી ગઇ છે. પ્રેક્ટિસ દરમિયાન પણ માતાજીના આશીર્વાદનું કવચ બાળાઓને મળે છે. આ છ બાળાને સળગતી ઇંઢોણી માથે લઇને ઘૂમતી જોવી એ પણ એક લહાવો હોય છે.
- Advertisement -
ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શહેરના મવડીચોક વિસ્તારમાં શ્રીબજરંગ ગરબીમંડળમાં છેલ્લાં 16 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે 17મા વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીમાં 30 બાળા રાસ રમશે. સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાની ટીમ દ્વારા રાસ રમાશે. કુલ 12 બાળાને તાલીમ અપાઈ છે. નવરાત્રિ દરમિયાન ત્રીજા, છઠ્ઠા અને નવમા દિવસે આ રાસનું આયોજન કરાયું છે. એક વખત રાસ રમનારી ટીમને બીજી વખત આરામ આપવામાં આવે છે.
કલાકારો દ્વારા ગરબા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણીરાસ, મનજીરારાસ, કરતાલરાસ, ગાગરરાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવો સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે. એટલું જ નહિ, આ વખતે તો પ્રેક્ટિસ દરમિયાન પણ ફાયર સેફટીનાં સાધનો સાથે રાખવામાં આવ્યાં છે.