ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનાર રસોઈયાના કારણે વિદ્યાર્થીનીઓેને ટૂંકા વસ્ત્રો ન પહેરવાની સુચના અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓેને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર નથી કરવામાં આવ્યા, ત્યારે ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનાર રસોઈયા હોવાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીનીઓેને ટૂંકા વસ્ત્રો ન પહેરવાની સુચના આપવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થીનીનું માનવું છે કે, મેરિટ લિસ્ટના ગોટાળાને દબાવવા મુદ્દો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જો કે, વિદ્યાર્થીનીએ એમ પણ કહ્યું કે, ક્યાં કેવા કપડાં પહેરવા તે જાણીએ જ છીએ.
- Advertisement -
સમગ્ર મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ તેમજ મંદિરોમાં પણ કપડાંને લઈને વ્યવસ્થા હોય છે. આપણે ફક્ત ભોજન લેવા જાય ત્યારે અને પ્રાર્થના હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા જણાવ્યું છે. કારણ કે, ભોજન લેવા જાય ત્યાં બહેનોની સાથે ભોજન બનાવનાર રસોઈયા પણ હોય છે. જ્યારે મંદિરોની જેમ પ્રાર્થના સમયે ટૂંકા વસ્ત્રોની મનાઈ કરવામાં આવી છે. આ નિયમો પહેલા પણ હતા. માત્ર તેને લોકોની જાણ માટે વેબસાઈટ પર મુકાયા છે. તેમજ બોયઝ હોસ્ટેલના નિયમો પણ હાલ તપાસવામાં આવી રહ્યા છે. જેમાં જરૂરી ફેરફાર કરીને ટૂંક સમયમાં પબ્લિક ડોમેઇન પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
બહેનોમાં પહેલાથી જ આવી સમજણ છે, નિયમો જાહેર કરવાની જરૂર નથી: વિદ્યાર્થિની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિની આશના ભટ્ટે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં એવું જોયું નથી કે કોઈ છોકરી મંદિર, ડાઇનિંગ હોલમાં કે પરિવાર સાથે ટૂંકા કપડા પહેરીને જતી હોય તેવું આજ સુધી જોયું નથી. તો આ પ્રકારના નિયમો જાહેર કરવાની કોઈ જરૂર રહેતી નથી. બહેનોમાં પહેલાથી આવી સમજણ હોય છે. જોકે આ નિયમો હોસ્ટેલ પ્રવેશનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે જાહેર કરાયા હોય તેવું લાગી રહ્યું છે. બહેનોમાં પહેલાથી જ સમજણ હતી કે કઈ જગ્યાએ કેવા વસ્ત્રો પહેરવા જોઈએ. ડાઇનિંગ હોલ અને પ્રાર્થના હોલમાં સામાન્ય રીતે કોઈ ટૂંકા વસ્ત્રો પહેરતું નથી.