ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી તૈયારીઓને અનુલક્ષીને તમામ જિલ્લાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતેથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ પણ જોડાયા હતાં.
ગુજરાત ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા મતદાનની ટકાવારી, વિવિધ જાગૃતિ અભિયાન, પોસ્ટલ બેલેટની ચકાસણી, મતદાન મથકો, કર્મચારીઓને તાલિમ જેવા વિવિધ મુદ્દે સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા પોસ્ટલ બેલેટ તેમજ ચૂંટણીલક્ષી વિવિધ એપ્લિકેશનની વિસ્તૃત સમજણ આપી હતી. ત્યાર બાદ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, વિવિધ એજન્સીઓની કામગીરી, દિવ્યાંગ મતદારો તેમજ સીનિયર સીટિઝનોને પડતી અગવડતા નિવારવા, મતદારોની વિવિધ ફરિયાદોનો ત્વરિત ઉકેલ તેમજ લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કેમ્પેઈન ચલાવવા જેવી વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી અંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.