ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ ઉપસ્થિત રહ્યાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પવિત્ર શ્રાવણ માસમાં ગીર સોમનાથ જિલ્લામાં શ્રીંકાર વર્ષાના પરિણામે ઉમરેઠી (હિરણ-2) ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. ભારે વરસાદને લઈ ડેમમાં નવા નીર આવતા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક રીતે પૂજા કરી અને શ્રીફળ, ચોખા-ચૂંદડી અર્પણ કરી નવા નીરના વધામણાં કર્યાં હતાં. હાલ નવા નીરની આવકના કારણે રૂલ લેવલ અનુસાર 1171 એમ.સી.એફ.ટી. એટલે કે 85.96% ડેમમાં પાણીનો જથ્થો છે તેમજ ડેમની હાલની સપાટી 70.50 મીટર લેવલ છે. સાંજે 07.00 સુધીમાં ડેમના બે દરવાજા 0.45 મીટર ખોલવામાં આવ્યાં છે. જેમાંથી 3347 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સર્વત્ર વરસાદના કારણે ઉમરેઠી ડેમ છલકાઈ ચૂક્યો છે. હિરણ-2 ડેમમાં આવેલા નવા નીરના કારણે વેરાવળ અને તાલાલા તાલુકા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આનંદ છવાયો છે. ડેમનું પાણી વિસ્તારની ખેતીને સમૃદ્ધ કરવા સાથે વિકાસને પણ પાણીદાર બનાવશે.



