ગિફ્ટ સિટીમાં બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકોને દારૂ આસાનીથી મળશે: પરમિટ લેવામાંથી મુક્તિ, માત્ર ઓળખપત્ર બતાવવાનું રહેશે
ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ૠઈંઋઝ ઈઈંઝઢ)માં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે-તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે. ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને વૈશ્ર્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. નવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવાતાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે.
ગિફ્ટ સિટીમાં છૂટછાટ સાથે કડક શરતો યથાવત
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈપણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
વૈશ્ર્વિક બિઝનેસ માટે મોટો સંદેશ
બિઝનેસ નિષ્ણાતોના મતે, વિશ્ર્વના નાણાકીય કેન્દ્રો, જેમ કે દુબઈ અને સિંગાપોર સાથે સ્પર્ધા કરવા માટે આ પ્રકારની નીતિગત છૂટછાટ જરૂરી હતી. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ઈવેન્ટ્સ, કોન્ફરન્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને નોંધપાત્ર વેગ મળશે.
ગિફ્ટ સિટી જેવી છૂટ હવે અમદાવાદ સિટીમાં પણ આપવાની સરકારની તૈયારી
હાલ શરાબ સેવન માટે ગિફ્ટ સિટીમાં જે છૂટછાટો આપવામાં આવી છે એનો વ્યાપ આવનારાં વરસોમાં વધી શકે છે. સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાય એ પહેલાં શરાબ સેવન માટેની આવી છૂટ અમદાવાદ શહેરમાં પણ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય રમતોત્સવ માટે દેશ-વિદેશથી આવતા મહેમાનો, પ્રવાસીઓ, રમતવીરો સાથે આવતા સ્ટાફ વગેરેની સુવિધા માટે આ છૂટછાટ આપવાની વિચારણા છે, સાથે જ આગામી વર્ષોમાં ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ તથા નાઇટ ઇકોનોમિને પણ પ્રોત્સાહન મળે એ માટેનાં પગલાં ભરવામાં આવશે.



