રાજકોટ જીલ્લાના ગઢકા ગામમાં જી.આઇ.ડી.સી. ફાળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાજીને રજુઆત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદ૨
ગઢકા ગામ ખાતે જી. આઇ. ડી. સી. ફાળવવાથી ધંધા-રોજગારને વેગ મળશે અને રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે ભૂપતભાઈ બોદર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિકાસની હરણફાણ ભરી રહ્યું છે ત્યારે ગઢકા ખાતે જી. આઇ. ડી. સી.ની ફાળવણીથી રાજકોટ જિલ્લો તેની વિકાસયાત્રા તરફ આગેકદમ માંડશે.
રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર કે જેણે સત્તાને સેવાનું માધ્યમ બનાવવાના ધ્યેય સાથે રાજકારણમાં પોતાના કદમ માંડ્યાં છે તેમણે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાજીને રજૂઆત કરતા જણાવેલ છે કે રાજકોટ તાલુકાના ગઢકા ગામ ખાતે સરકારી ખરાબો 224-13-12 હેકટર આરે.ચો. મી. (553 એકર આશરે) વિશાળ જગ્યા પર આવેલો છે ત્યારે ભવિષ્યમાં આ જગ્યા પર કોઈ દબાણ ન થાય તેમજ અહીં મોટા પ્રમાણમાં પછાત અને શ્રમિક વર્ગની વસ્તી હોય અને આજુબાજુમાં નાના મોટા ઘણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો બોહળા પ્રમાણમાં વિકાસ થાય તેવી ઉત્તમ તકો રહેલી છે. આ ઉપરાંત નજીકમાં જ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણનું કામ પૂર જોશમાં ચાલુ હોય ધંધો – રોજગારના વિકાસને વેગ મળે તેમ છે અને બાજુમાંથી 15 થી 90 મીટરનો રસ્તો હોય વાહન વ્યવહારના પરિવહન માટે અનુકૂળ વાતાવરણ છે ત્યારે રાજકોટથી સરધાર હાઇવે પર પણ જામનગર રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ જેવો વિકાસ થશે.
- Advertisement -
વધુમાં ભૂપતભાઈ બોદરે પોતાની રજૂઆતમાં જણાવેલ કે અહીં જી.આઇ.ડી.સી.ફાળવવાથી આસપાસના વિસ્તારોમાં રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે તેમજ આજુબાજુના અનેક ગામો જેવાકે ગઢકા, ઢેબચડા મહીકા, ખેરડી, ત્રંબા, ડેરોઇ, ફાડદંગ, ઢાંઢણી, રફાળા, કાળીપાટ વગેરેને પણ ફાયદો થાય તેમ છે. રાજકોટ શહેરથી તદ્દન નજીક આવેલ ગઢકા ગામને કુવાડવા – અમદાવાદ હાઇવે ટચ થાય છે તેમજ ભાવનગર રોડથી પણ કનેક્ટ થાય છે જે રિંગરોડથી સાવ નજીક છે. તેથી અહીં જી.આઈ.ડી.સી. ફાળવવાથી શહેરના ધંધા-રોજગારને વેગ મળે અને રોજગારીની તકો પ્રાપ્ત થવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાચા અર્થમાં સાર્થક થશે અને ગુજરાત રાજ્ય વિકાસની હરણફાણ ભરી રહ્યું છે ત્યારે ગઢકા ખાતે જી.આઇ.ડી.સી.ની ફાળવણીથી રાજકોટ જીલ્લો તેની વિકાસયાત્રા તરફ આગેકદમ માંડશે એમ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે અંતમાં જણાવેલ હતું.