જૂની પેન્શન યોજના, કાયમી ભરતી તથા શિક્ષકોને બિન-શૈક્ષણિક કાર્યોમાંથી મુક્તિ આપવા સહિતની રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો દ્વારા આજે રાજકોટના બહુમાળી ચોક ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે મૌન ધરણા કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શૈક્ષણિક સંઘ દ્વારા સરકાર સમક્ષ કેટલીક માગ કરવામાં આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક કર્મચારીઓની 100 ટકા કાયમી ભરતી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપ્યા બાદ ખાલી જગ્યા પર કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરવી, બિન શૈક્ષણિક કર્મચારીઓ કારકુન, ગ્રંથપાલ, પટ્ટાવાળા, પ્રયોગશાળા મદદનીશ ભરતીની સંચાલક મંડળને સત્વરે મંજૂરી આપવી, તારીખ 01-04-2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડતો પરિપત્ર કરવો, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરી વર્ગ આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવો, બિન શૈક્ષણિક વર્ગ- 3 (કલાર્ક) તથા વર્ગ- 4 (પટ્ટાવાળા)ઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રમોશન આપવા તથા ખાતાકીય પરીક્ષા પહેલાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુકિત આપવા માંગ કરી છે.