૫૨ કોર્ટ બેસી શકે એવી સગવડતા ધરાવતુ ડીસ્ટ્રીકટ કોર્ટના બિલ્ડિંગનું બાંધકામ માર્ચ ૨૦૨૨માં પૂર્ણ થશે
રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટનું નવું બિલ્ડીંગ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં વિશાળ જગ્યા પર બની રહ્યું છે. સરકાર દ્વારા આ કામગીરી માટે રૂ. ૧૧૭ કરોડની તાંત્રિક મંજુરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે અંદાજે રૂ. ૯૦ કરોડના ખર્ચે બાંધકામ અને ફર્નીચર સહિત અન્ય સુવિધા સાથે આ કોર્ટ બિલ્ડીંગ તૈયાર થશે. કોર્ટ બિલ્ડીંગનું મોટા ભાગનું સિવિલ વર્ક પૂર્ણ થઇ ગયું છે અને આગામી માર્ચ ૨૦૨૨માં બિલ્ડીંગનું બાંધકામ તૈયાર થઈ જશે, તેમ રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી નિતેષ કામદારે જણાવ્યું હતું.

- Advertisement -
રાજકોટના ઘંટેશ્વરમાં એફ.સી.આઇ.ના ગોડાઉન પહેલા આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું કેમ્પસ ૫૬૬૫૮ ચો.મી. જમીનમાં પથરાયેલું છે. કોર્ટ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત કુલ પાંચ માળનું બની રહ્યું છે જેમાં મકાનનુ કુલ ક્ષેત્રફળ ૩૬૫૨૦ ચો.મી.રહેશે.
અત્યાર સુધીમાં કોર્ટ બીલ્ડીંગ બાંધકામમાં ચાર માળના સ્લેબની કામગીરી પૂર્ણ થયેલ છે, જ્યારે પાંચમાં માળનું આર.સી.સી. કામ પુર્ણ થવામાં છે. મોડેલ કોર્ટરૂમ તૈયાર થયેલ છે.

- Advertisement -
આ ભવનમાં ૫૨ કોર્ટનો સમાવેશ થઇ શકે તેવી સવલત ઉભી કરવામાં આવી છે. લાયબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, બાર રૂમ, ચેમ્બરો, સ્ટાફ માટે વિવિધ સુવિધા તેમજ પાર્કિંગની સુવિધા, વિકલાંગો માટે અલાયદી સવલતો સહિતનું સિવિલ વર્ક થઈ રહ્યું છે. આ મકાનમાં સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે્.


