પ્રાથમિક શાળામાં સેનેટરી નેપકીનના મશીન મુકાશે, 20 લાખની જોગવાઈ
પંચાયત વિભાગમાં વાઈફાઈની સુવિધા માટે 2 લાખની જોગવાઈ, ICDS વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર માટે 10 લાખની ફાળવણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વર્ષ 2022-23નું સુધારેલું 2684લાખનું બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ બજેટમાં ઉતમ કામ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની ફાળવણી કરવામાં આવી હતી. ઉનાળો આવતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇના પાણીની મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે આ વર્ષે ખેડૂતોને ધ્યાનમાં રાખીને સિંચાઇની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. મારૂ ગામ, પાણીવાળુ ગામ પ્રોજેકટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીના તથા સિંચાઇના પાણીની સુવિધા વધે તથા ભૂમિગત સ્તરમાં વધારો થાય તે માટે ચેકડેમો, તળાવ, રિચાજીંગ સિસ્ટમ ઉભી કરવા જૂના પાંચ હજાર જેટલા તળાવો, ચેકડેમો રીપેરીંગ કરાશે. તેમજ આ કામ માટે રૂા. 2 કરોડ 86 લાખની જોગવાઇ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરાઇ છે.
જ્યારે તાલુકા પંચાયતને પ્રોત્સાહન યોજના માટે રૂ.5 લાખ, વિકાસના કામો માટે 9.36 કરોડ, પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સુવિધા માટે 10 લાખની જોગવાઈ જ્યારે પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડના દરવાજાથી શાળા સુધીના પેવર બ્લોક માટે 15 લાખની જોગવાઈ, જ્યારે શાળાની કિશોરીને સેનેટરી નેપકીન તથા તેના મશીન ખરીદવા માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવેલી છેજ્યારે કુપોષણ અભિયાન અંતર્ગત 10 લાખ ફાળવવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે 2 લાખ, પંચાયત વિભાગમાં વાઈફાઈની સુવિધા માટે 2 લાખ, પશુપાલન વિભાગમાં ઢોરના વેક્સિનેશન માટે 2 લાખ અને મનરેગા યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે. આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખરીદવા માટે 30 લાખ, આંગણવાડી કક્ષાએ મહિલા અને બાળ વિકાસ માટે 10 લાખ અને રસોડાની વસ્તુઓ માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
- Advertisement -
જિલ્લા પંચાયતની મહિલા સદસ્યાને રૂ. 1 લાખની વધુ ગ્રાન્ટ ફાળવાઈ
પ્રમુખ ભુપત બોદરે સામાન્ય સભામાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયતના તમામ મહિલા સદસ્યને રૂપિયા 1 લાખ ગ્રાન્ટ વધુ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. નારી શક્તિને વહીવટી તંત્રમાં પ્રાધાન્ય આપવાના કેન્દ્ર અને રાજ્ય સરકારના અભિયાનના ભાગરૂપે 1 લાખ વધુ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
બજેટની ચર્ચા સામાન્ય સભામાં કરવી એ ગેરવ્યાજબી નથી: વિપક્ષી નેતા અર્જુનભાઈ ખાટરીયા
- Advertisement -
ખાસ સામાન્ય સભા શરૂ થતા જ ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખે બજેટની ચર્ચા શરૂ કરતા જ વિપક્ષી નેતા અર્જુનભાઈ ખાટરીયાએ વિરોધ કર્યો હતો. પશુપાલન વિભાગમાં ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવી હોવાથી વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે પ્રમુખ ભુપત બોદરે વિપક્ષી નેતાને હાલ બજેટ પર ચર્ચા ન કરવાનું કહેતા મામલો વધુ ગરમાયો હતો. પ્રમુખે કહ્યું કે, 3 મહિના પછી દરેક ગ્રાન્ટ અને વિષય પર ચર્ચા કરવામાં આવશે. જ્યારે વિપક્ષી નેતાએ બજેટ પર ચર્ચા કરવાનું શરૂ રાખ્યુ હતું. અને 3 મિનિટ બોલવાની મંજૂરી માંગી હતી અને કહ્યું કે, પક્ષના સદસ્યો અને પ્રમુખ પોતે પણ મોડા આવ્યા હતા જેથી વિપક્ષને બોલવાની મંજૂરી આપવામાં આવે. અને છેલ્લે વિપક્ષી નેતાના ભાષણમાં જ પક્ષના સદસ્યોએ વોકઆઉટ કરી દીધું હતું.