મધ્યમ વર્ગના લોકોને બી.યુ. સર્ટિફીકેટ મેળવવામાં લોઢાના ચણા ચાવવા પડે છે: નેહલ શુક્લ
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાને લીધે આજે મનપાનું જનરલ બોર્ડ પ્રશ્ર્નોત્તરી વિનાનું યોજાયું હતું. વંદેમાતરમ ગાન બાદ જુદી-જુદી દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ હોસ્પિટલ માટે અનામત રાખવામાં આવેલ પ્લોટની હેતુફેરની દરખાસ્ત રદ કરવામાં આવી હતી. મ્યુ. કમિશનર અમિત અરોરાની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા. ગણતરીની મિનિટોમાં આ જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જો કે આ બોર્ડની બેઠક બાદ શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લે બી.યુ. સર્ટીફીકેટ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
જનરલ બોર્ડમાં હોસ્પિટલ માટે અનામત પ્લોટને કોમર્શિયલ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જો કે આ અંગે કોંગ્રેસનાં વિરોધ બાદ શાસકો દ્વારા આ દરખાસ્ત નામંજૂર કરવાનો નિર્ણય આજે મળેલા જનરલ બોર્ડમાં લેવાતા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લે બી.યુ. સર્ટિફીકેટની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકોને બી.યુ. મેળવવામાં મુશ્કેલીઓ થતી હોવાનું તેમજ હાઇરાઇઝ ધરાવનાર પૈસાપાત્ર વર્ગનાં લોકો સર્ટિફિકેટને અનુસરે છે કે કેમ? ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કેટલા દિવસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે? આ સર્ટિફિકેટ આપવા કોર્પોરેશનની વિવિધ શાખા પૈકી કઈ શાખાને જવાબદારી સોંપવામાં આવી? જેવા સણસણતા સવાલો ઉઠાવ્યા હતા. સત્તાધારી ભાજપ પક્ષના કોર્પોરેટર દ્વારા સવાલો ઉઠાવવમાં આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.