એઆઈ ટૂલ જેમીની અલ્ટ્રા, પ્રો અને નેનો એમ ત્રણ મોડેલમાં સર્વિસ આપશે, એન્ડ્રોઈડ ફોનમાં ઓફલાઈન પણ ચાલશે, ટૂંક સમયમાં ગૂગલની બધી જ પ્રોડક્ટમાં જોવા મળશે
ડેવલપર્સ કોંગ્રેસ ઈવેન્ટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની જાહેરાત
એઆઈ ટૂલ માહિતી આપવા પૂરતું સીમિત નથી, ટેકસ્ટ, કોડ, ઓડીયો, વિડીયોને સમજીને માણસની જેમ ઓપરેટ કરશે : ગૂગલે એના કામનો એક વિડીયો રીલિઝ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગૂગલે સૌથી બુદ્ધિશાળી ગણાતા એઆઈ ટૂલ જેમીનીને લોંચ કરીને એઆઈની સ્પર્ધાને નવી ઊંચાઈ આપી છે. ગૂગલના દાવા પ્રમાણે આ એઆઈ ટૂલ અત્યાર સુધીના બધા જ એઆઈ મોડેલથી વધુ પાવરફૂલ અને સટિક છે. અલગ અલગ ડિવાઈસ અને પ્લેટફોર્મ્સને ધ્યાનમાં રાખીને ત્રણ મોડેલમાં આ ટૂલ લોંચ કર્યા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટેકનોલોજીમાં આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. એ એઆઈ ટૂલ માત્ર માહિતી જ નહીં આપે. એનાથી આગળ એ કેટલાય કામ કરી શકે છે. માણસના પર્સનલ આસિસ્ટન્ટની ભૂમિકા ભજવી શકે એટલી ક્ષમતા એમાં છે. માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે એઆઈમાં સર્વોપરી થવાની જે દોડ ચાલે છે તે જેમીનીના લોંચિંગ પછી વધુ રસપ્રદ બની જશે. માઈક્રોસોફ્ટના ફંડિંગથી ઓપનએઆઈએ બનાવેલા ચેટબોટ ચેટજીપીટીને આ એઆઈ ટૂલ ભારે ટક્કર આપશે. ગૂગલે આ એઆઈ સર્વિસના ત્રણ મોડેલ લોંચ કર્યા છે. જેમીની અલ્ટ્રાનું મોડેસ મર્યાદિત યુઝર્સ માટે લોંચ કરાયું છે. એ પછીનું જેમીની પ્રો બાર્ડમાં લોંચ થયું છે. બાર્ડની વેબસાઈટમાં જઈને એકાઉન્ટ્સ ઓપન કર્યા બાદ યુઝર્સ એનો લાભ લઈ શકશે. ત્રીજા મોડેલને જેમીની નેનો નામ અપાયું છે. એ એન્ડ્રોઈડ વર્જન છે અને અત્યારે ગૂગલ પિક્સેલ-8 પ્રો યુઝર્સ માટે લોંચ થયું છે. પણ ટૂંક સમયમાં બધા જ એન્ડ્રોઈડ યુઝર્સ આ ટૂલની સર્વિસ ઓફલાઈન પણ લઈ શકશે.
ગૂગલના દાવા પ્રમાણે અત્યારે બધા જ એઆઈ ટૂલ્સમાં આ સૌથી બુદ્ધિશાળી ટૂલ છે. એક અર્થમાં બહુ ગાજેલા ચેટબોટ ચેટજીપીટીથી પણ આ ટૂલ આગળનું વિચારે છે એવું ગૂગલના સંશોધકો કહે છે. ચેટબોટ માહિતી આપે છે, પણ આ જેમીની ટેકસ્ટ, કોડ, ઓડિયો, વિડીયોને બરાબર સમજી શકે છે એક માણસનું દિમાગ આ બધી બાબતોમાં જે રીતે રિએક્ટ કરે એવી રીતે આ ટૂલ રિએક્ટ કરે છે. એની સાબિતી માટે ગૂગલે જેમીનીનો એક વિડીયો પણ લોંચ કર્યો હતો. જેમીનીની સર્વિસ ગૂગલની બધી જ પ્રોડક્ટ સાથે જોડી દેવાશે. એટલે કે ગૂગલ ક્રોમથી લઈને જીમેઈલ, બાર્ડ, ગૂગલ સર્ચ એન્જિન સહિત મોટાભાગની પ્રોડક્ટમાં આવતા વર્ષથી આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલનો લાભ મળશે. ગૂગલના કહેવા પ્રમાણે આ એઆઈ ટૂલ રોજિંદી લાઈફમાં માણસના પર્સનલ આસિસ્ટન્ટની ગરજ સારશે. તેને એપ્લિકેશનની રીતે ડિઝાઈન કરાયું છે. લેંગ્વેજ મોડેલ લામડા અને પામ-2નું આ ખૂબ જ એડવાન્સ વર્જન છે અને ટેકનિકલ શબ્દોમાં તેને મલ્ટિમોડેલ લાર્જ લેંગ્વેજ મોડેલ્સ પણ કહેવાય છે. અત્યારે માત્ર અંગ્રેજી ભાષામાં એની સુવિધા મળશે, પણ પછી બાર્ડની જેમ 45-50 ભાષામાં એની સર્વિસ શરૂ કરાશે.