ગેરકાયદે હેરાફેરી બદલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો: બે આરોપી ઝડપાયા, રૂપિયા 7.52 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મોરબીના ભરતનગર ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમે એક ટ્રકમાં ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવાતા 26 અબોલ જીવોને બચાવી લીધા હતા. આ ગેરકાયદેસર હેરાફેરી બદલ મોરબી તાલુકા પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અનિલભાઈ હરિભાઈ કંડિયાએ આ મામલે આરોપીઓ એહમદ મેરાજભાઈ જુનેજા, સલીમ હૈદર ખાવડીયા (રહે. બંને વિરમગામ તાલુકો, અમદાવાદ) અને હાજી ઉર્ફે ઇલ્યાસ જીવાભાઈ ખોરાણી (રહે. ભગવતીપરા, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓ પોતાની અશોક લેલન્ડ ટ્રક (ૠઉં 13 અડ 6891) માં ભેંસના 26 પાડા ને ઘાસચારો કે પાણીની સગવડ વિના ખીચોખીચ ભરીને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહ્યા હતા, જે મોરબી-માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીકથી પકડાયા હતા.
મોરબી તાલુકા પોલીસે 26 પાડા (કિ. રૂ. 52,000) અને ટ્રક (કિ. રૂ. 7 લાખ) સહિત કુલ રૂ. 7,52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં એહમદ જુનેજા અને સલીમ ખાવડીયાને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી હાજી ખોરાણીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.



