ગેસના બાટલા લઈ કૉંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં પહોંચ્યા, અમિત ચાવડાએ ખભે સિલિન્ડર લીધો તો તુષાર ચૌધરીએ માથે લાકડાં
વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થતાં પેટ્રોલિયમ-ગેસ સપ્લાય મુદ્દે દેશને નુકસાન: અમિત ચાવડા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે (13 માર્ચ) 14મો દિવસ છે. મિડલ ઈસ્ટમાં તણાવને કારણે સમગ્ર ભારતમાં ગેસ સપ્લાયની ચેઈન પર વિપરીત અસર પડી છે. જેને લઈને કોંગ્રેસ સંસદથી લઈ સડક સુધી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.
દેશમાં ગેસના બાટલાની અછત સર્જાતા તેની અસર ગુજરાતમાં પણ પડી છે. અનેક રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે અને અનેક બંધ થવાની કતારમાં છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં હલ્લાબોલ કર્યો છે.
કોંગ્રેસના ખકઅ અમિત ચાવડા ખભે સિલન્ડર લઈ તો તુષાર ચૌધરી માથે લાકડા લઈ વિધાનસભામાં પહોંચ્યા હતા. ‘સાહેબનો આઇડિયા કામ આવ્યો?’ના પોસ્ટર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.
લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર: ચાવડા
કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્ર્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ર્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે. તેમણે ચેતવણી આપી હતી કે જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે.



