ડાઘુઓએ હવે અંતિમવિધિ માટે લાંબી રાહ નહીં જોવી પડે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલા સોનાપુરી સ્મશાન ગૃહમાં મોરબી નગર પાલિકા દ્વારા જે તે વખતે વાર્ષિક ગ્રાન્ટમાંથી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી, પ્રાર્થના હોલના નિર્માણ માટે લગભગ 76 લાખથી વધુ રકમની ગ્રાન્ટ મંજૂર થઈ હતી.આ નગર પાલિકાની ગ્રાન્ટ તેમજ સોનપરી સ્મશાન ગૃહના સંચાલકો દ્વારા લોકફાળો અને સંસ્થાની અગાઉની મૂડી એકત્ર કરી લગભગ સવા કરોડના ખર્ચમાં આ સુવિધા તૈયાર કરી હતી. અગાઉ આ સ્મશાનમાં માત્ર એક ભઠ્ઠી હોવાથી જ્યારે પણ કોઈના પણ સ્વજનના અંતિમ સંસ્કાર શરૂ હોય અને બીજો કોઈ મૃતદેહ આવે તો અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડતી, આ ઉપરાંત જો ભઠ્ઠીમાં રીપેરીંગની જરૂરિયાત પડે તો લાકડાથી અંતિમ સંસ્કાર કરવા પડતાં.જોકે હવે બે ગેસ આધારિત ભઠ્ઠી થવાથી આ સમસ્યામાંથી છુટકારો મળશે. આ ઉપરાંત પંચાસર રોડ પર આવેલા સ્મશાનમાં પણ આવી ગેસ આધારિત ભઠ્ઠીનું નિર્માણ કરાયું છે.