ખેડૂતો અને વાહનચાલકો માટે મહત્ત્વના બાયપાસ રોડ પર જોખમ; તાત્કાલિક રીપેરિંગની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલાના વાવેરા રોડથી આગરીયા જકાતનાકા રોડને જોડતા કબ્રસ્તાન પાસેના નાળા ઉપર મોટું ગાબડું પડી ગયું છે, જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો ભય સર્જાયો છે. આ બાબતે રાજુલા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર રમેશભાઇ વસોયા દ્વારા ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને પત્ર લખીને તાત્કાલિક રીપેરિંગની માંગ કરવામાં આવી છે.રમેશભાઇ વસોયાએ પત્રમાં જણાવ્યું હતું કે, વાવેરા રોડથી આગરીયા જકાતનાકા બાયપાસ જવા માટેનો કબ્રસ્તાનવાળો આ રોડ વાહનચાલકો માટે અત્યંત ઉપયોગી છે. ખાસ કરીને અલગ-અલગ ગામોના ખેડૂતો અને અન્ય વાહનો રાજુલા શહેરમાં પ્રવેશ ટાળવા માટે આ બાયપાસનો વધુ ઉપયોગ કરે છે.આ રોડ ઉપર કબ્રસ્તાન પાસે આવેલ નેરડીના નાળામાં ઉપરથી મોટું ગાબડું પડી ગયું છે અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જે અકસ્માતનું કારણ બની શકે છે. વધુમાં, ધાતરવડી-2 ડેમ ભરેલો હોવાથી આ નાળા નીચે આશરે સાતથી આઠ ફૂટ જેટલું પાણી ભરેલું રહે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.વસોયાએ નાળાના તાત્કાલિક રીપેરિંગ અને આ રોડ પરના છઈઈ રોડમાં પડેલા ગાબડાંનું સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે, જેથી વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.