બનાસકાંઠા બેઠકનાં કૉંગ્રેસી ઉમેદવારનો અજબ ગજબનો ખેલ
સોનું-ચાંદી, મિલકતો છે – છતાં ‘કેજરીવાલ સ્ટાઇલ’ અપનાવી
- Advertisement -
કોંગ્રેસના કેટલાક ઉમેદવાર લોકોના પૈસાથી ચૂંટણી લડી રહ્યા છે, લોકો પાસેથી ફંડફાળો એકઠો કરી તેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર-પ્રસારમાં કરી રહ્યા છે. આવા જ એક ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર. આમ તો ગેનીબેન ઠાકોર લાખો રૂપિયાની સંપત્તિના માલિક છે છતાં તેઓ પ્રજા પાસેથી પૈસા ઉઘરાવી ચૂંટણીનો ખર્ચ કાઢી રહ્યા છે.
ગેનીબેન ઠાકોરે પોતાની ચૂંટણી ખર્ચ ઉપાડવા લોકોને ઓછામાં ઓછી 11 રૂપિયાની મદદ કરવાની અપીલ કરી હતી. આ ઉમેદવાર રોકડ ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ પણ સ્વીકારે છે. આ માટે ગેનીબેન ઠાકોર ક્યુઆર કોડ જાહેર કર્યા છે અને તેના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયાનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે.
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હમણાં જ્યાં પણ પ્રચાર માટે જાય ત્યાં પોતે ગરીબ અને જનતાની વચ્ચેથી આવતાં હોવાની વાતો કરતા રહે છે. તેમણે જનતા પાસે ચૂંટણી લડવા માટે ફંડફાળો પણ માગ્યો અને લોકોએ લાખો રૂપિયા ભેગા પણ કરી આપ્યા. એટલે કે તેઓ લોકોના પૈસાથી જ ચૂંટણી લડી રહ્યા છે. પણ શું ખરેખર તેમની પાસે પૈસા ખૂટી પડ્યા છે? આ વિશેની હકીકત કંઈક જુદી જ છે. ગેનીબેન ઠાકોરે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં દાખલ કરેલાં સોગંદનામાની તપાસ કરી ત્યારે અનેક એવી વિગતો જાણવા મળી છે જે કોંગ્રેસ અને તેમના ઉમેદવારના ગરીબ હોવાના અને ચૂંટણી લડવાના પૈસા ન હોવાના દાવાની પોલ ખોલવા માટે પૂરતું છે.ગેનીબેન ઠાકોરે રજૂ કરેલા એફિડેવિટ અનુસાર 2017માં ગેનીબેન ઠાકોર પાસે શ20 કાર હતી, જ્યારે 2024માં તેમની પાસે એક ઈનોવા કાર પણ છે. આ કાર લાખો રૂપિયાની કિંમતની આવે છે. ગામડાંમાં આટલો ભાવ એક વીઘાં જમીનનો હોતો નથી, જેટલો આ કારનો છે.
- Advertisement -
વધુમાં ગેનીબેન ઠાકોર પાસે સોનુ કેટલું છે તેની વાત કરીએ તો તેમની પાસે 2017માં 120 ગ્રામ સોનુ હતું, જે 2024માં વધીને 15 તોલા જેટલું થઈ ગયું. ચાંદી પણ જે 3 કિગ્રા હતું તેમાંથી 3.5 કિગ્રા થયું. આ બધી જંગમ મિલકતોનો સરવાળો માંડીએ તો 2017માં જે 20,82,905 થતો હતો તે 2024માં 36,29,433 પર પહોંચ્યો છે.
2017 અને 2024માં જમીન એક સરખી પણ તારીખમાં ફેરફાર
એફિડેવિટમાં કૃષિની જમીનોની ખરીદીની તારીખમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. 2017ના એફિડેવિટનું માનીએ તો જમીન 1996, 2002, 2011 અને 2012માં ખરીદી હતી. પણ 2024 પ્રમાણે આ વર્ષ 2001, 2012, 2010 અને 2011 છે. એટલે કે જમીન એક સરખી છે, પણ બે એફિડેવિટમાં તેની ખરીદીની તારીખમાં ફેરફાર જોવા મળે છે.આ સિવાય ખરીદી સમયે જમીનની કિંમતમાં 2017ના એફિડેવિટમાં માત્ર એક જ આંકડો લખવામાં આવ્યો હતો અને તે છે 4 લાખ 25 હજાર. પણ 2024ના એફિડેવિટમાં ચારેય જમીનનની ખરીદીની કિંમત દર્શાવવામાં આવી.
જે આ પ્રમાણે છે- 4,48,425, 8,00,404, 2,74,000, 1,50,000. ગેનીબેન ઠાકોરની જમીનની અંદાજિત વર્તમાન કિંમત વર્ષ 2017માં 75 લાખ રૂપિયા દર્શાવવામાં આવી હતી પણ વર્ષ 2024માં તે ઘટીને 21,24,857 જેટલી જ થઈ ગઈ છે. એટલે કે વર્ષ 2017માં જમીનની ખરીદ કિંમત જે લખવામાં આવી હતી તેના કરતાં 2024માં વધારે લખવામાં આવી પણ વર્તમાન કિંમત ઘટી ગઈ!
ગેનીબેન ગરીબ ! છતાં છે લાખોનું મકાન
ગેનીબેન ઠાકોર ગરીબ હોવાની વાત કરે છે પરંતુ વર્ષ 2019માં તેમણે એક રહેણાંક મકાન ખરીદ્યું હોવાનું એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે. તે પહેલાં 1996માં એક મકાન ખરીદ્યું હતું. 1996માં ખરીદેલા મકાનની ખરીદ કિંમત 1 લાખ રૂપિયા જ્યારે 2019ના મકાનની કિંમત 4,10,000 રૂપિયા છે. જોકે, મજાની વાત એ છે કે 2017ના એફિડેવિટમાં 1996માં જેની ખરીદી કરી હતી તેની ખરીદ કિંમત 10,80,000 દર્શાવી હતી, જે હમણાં સીધી 1 લાખ થઈ ગઈ. જ્યારે અંદાજિત બજાર કિંમત 2017માં 12 લાખ દર્શાવી હતી, તે 2024માં 5,20,000 જેટલી થઈ ગઈ. આ સાથે સ્થાવર મિલકતની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે 2017માં 87 લાખ રૂપિયા દર્શાવી હતી, પણ 2024માં તે 36 લાખ જ દર્શાવવામાં આવી છે. જ્યારે મિલકતમાં તો ખરીદી જ કરવામાં આવી છે, ગુમાવ્યું કંઈ જ નથી. આ આંકડાઓ અને માહિતીથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ નેતાઓના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે.