તોડફોડની ઘટના સામે આવતાં આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ તપાસ તેજ
15થી 17 અજાણ્યા શખ્સોએ હોટેલ પર આવીને તમારા માલિક ક્યાં છે..? એવું કહીને હોટેલમાં તોડફોડ કરી નુકસાન કર્યું
- Advertisement -
પાંચ પોલીસ સ્ટેશનમાં હોટેલની બ્રાન્ચનાં લોકોએ અરજી કરી, એ ડિવિઝનમાં ગુનો નોંધવા તજવીજ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આવારા અને લુખ્ખા તત્વો બેફામ બનીને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે ખેતલાઆપા હોટેલની અલગ અલગ બ્રાન્ચો પર 15થી 17 શખ્સોએ તોડફોડ કરતા ચકચાર મચી ગઈ છે. જ્યારે આત્મીય કોલેજની સામે આવેલા ખેતલાઆપા હોટેલમાં નોકરી કરતા લાલા મેવાડાએ જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે
અજાણ્યા શખ્સોએ ખેતલાઆપા હોટેલ પર આવીને પૂછ્યું કે, માલિક ક્યાં છે તેવું કહીને હોટેલમાં તોડફોડ કરી હતી. જેને લઈને પ્રથમ વખત પાંચ પોલીસ સ્ટેશનમાં અરજીઓ થતા શહેરમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ શહેરમાં આવેલા તમામ ખેતલાઆપા ટી સ્ટોલના માલિકોએ એ, બી, આજીડેમ, માલવિયા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરીને માથાકૂટ કરવા આવેલા 15થી 17 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલી છે. ખેતલાઆપા હોટેલમાં નોકરી કરતા લાલાભાઈ મેવાડાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી મુજબ ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા આસપાસ ખેતલાઆપા હોટેલ બંધ કરીને જતા હતા તે સમયે સફેદ સ્કોર્પિયો અને એન્ડેવર ગાડીમાંથી અજાણ્યા શખ્સો રિવોલ્વર, ધોકા-પાઈપ સહિતના હથિયાર સાથે ધસી જઈ હોટેલના માલિક ક્યાં છે તેવું કહીને ચાના તપેલા અને અન્ય વસ્તુઓ પર તોડફોડ કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ ખેતલાઆપાના માલિકને જાણ કરતા માલૂમ પડ્યું કે, સંતકબીર રોડ પર આવેલી હોટેલમાં કંઈક નજીવી બાબતે બોલાચાલી થઈ છે જેને લઈને આ શખ્સો શહેરની તમામ ખેતલાઆપાની બ્રાન્ચો પર તોડફોડ કરવા નીકળ્યા છે. લાલાભાઈ મેવાડાની અરજી મુજબ તોડફોડ કરવા આવેલી ગાડીની પાછળ ગમારા લખેલું હતું.
જ્યારે હોટેલના માલિકના ઘર પર અજાણ્યા 15થી 17 સાથે માલિકના ઘર પર ફોચ્ર્યુનર, વ્હાઈટ સ્કોર્પિયન, સિલ્વર એન્ડેવર, બ્લેક વર્ના અને વ્હાઈટ ક્રેટા લઈને પહોંચી ગયા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અજાણ્યા શખ્સોના હોટેલના માલિકના ઘર બહાર આંટા ફેરા કરતા જોવા મળે છે જેને લઈને લોકો ભયનો માહોલ ફેલાયો છે. જેને લઇને એક સાથે શહેરના પાંચ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. વિપુલ ભરવાડે આજી ડેમ, ગોપાલ ભરવાડે બી ડિવિઝન, વિક્રમ વકાતરે એ ડિવિઝનમાં, સામત વકાતરે માલવિયાનગર અને મુન્ના ભરવાડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરીને અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
ખેતલા આપા હોટેલના માલિકનાં ઘર પર અજાણ્યા 15થી 17 શખસ ફોર્ચ્યુનર, વ્હાઈટ સ્કોર્પિયો, સિલ્વર એન્ડેવર, બ્લેક વર્ના અને વ્હાઈટ ક્રેટા લઈને પહોંચ્યાં!
- Advertisement -
98 નંબરની ફોર્ચ્યુનર સહિતની ગાડીઓમાં આવીને શખ્સોએ આપી જાનથી મારી નાંખવાની ધમકી
ગઈકાલે રાત્રે ખેતલાઆપા હોટેલમાં થયેલી તોડફોડ મુદ્દે ફરિયાદી વિપુલ જોગાવાએ પોલીસ કમિશનરને અરજી કરી છે કે, ઘેલો ગમારા, ભૂપત ગમારા, મુળુ ગમારા, હરિ ગમારા, વિરમ ગમારા અને રવિ ગમારા અને સીદી બાદશાહ સહિતના અજાણ્યા શખ્સો દારૂ પીને અમારા ઘર પાસે 98 નંબરની ફોર્ચ્યુનર ગાડી, સ્કોર્પિયો, સિલ્વર એન્ડેવર, વર્ના અને ક્રેટામાં આવીને અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે આજે સવારે પણ આરોપીઓ પાઈપ, ધોકા, લાકડી લઈને મારવા માટે આવેલા હતા. ફરિયાદીએ આ તમામ શખ્સો વિરુદ્ધ જલ્દીથી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
શહેરમાં શું ગુંડા તત્વો પેધી ગયા ?
અગાઉ પણ શહેરમાં શાંતિ ડહોળવાના અનેક વખત પ્રયાસો થઈ ચુક્યા છે. શહેરમાં ખાખીનો ખૌફ ઓસરી ગયો હોય તેમ અવારનવાર આવારા તત્વો સોસાયટી કે રસ્તા પર આતંક મચાવી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ જો સમયસર આવા ગુંડા તત્વોનો કાયદાના સકંજામાં કેદ કરતા હોય તો આવી ઘટના બનવાનો સવાલ જ પેદા નથી થતો. પરંતુ પોલીસ કાર્યવાહીના વિલંબના કારણે આવા ગુંડા તત્વો પેધી ગયા હોય તેમ જણાય છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાશે, બીજા ક્યારે નોંધશે…?
ખેતલાઆપા હોટેલની અલગ અલગ બ્રાન્ચો પર તોડફોડ થતા શહેરના પાંચ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી રહી છે. ત્યારે બીજા પોલીસ સ્ટેશન ક્યારે ગુનો નોંધશે તેવા
સવાલો ઉઠી રહ્યા છે.
શું ગમારા ગેંગ ફરી સક્રિય થઈ છે…?
ખેતલાઆપા હોટેલમાં નોકરી કરતા લાલા મેવાડાએ કરેલી અરજી મુજબ અજાણ્યો શખ્સો એન્ડેવર ગાડીમાં આવ્યા હતા જેની પાછળ ગમારા લખેલું હતું. જેથી એવું ચર્ચાઈ રહ્યું છે કે, શું ગમારા ગેંગ ફરી સક્રિય થઈ ગઈ છે. ગમારા ગેંગની જો વાત કરવામાં આવે તો શહેરમાં જમીન કૌભાંડો, પારકી મિલ્કતોમાં પેશકદમી, મારામારી, સરાજાહેર ફાયરીંગ સહિતના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ છે. જો કે, શહેર પોલીસે તેની હવા કાઢી નાંખી છે. ત્યારે આ તોડફોડની ઘટના બાદ આ ગેંગ શું ફરી સક્રિય થઈ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે