કથા એવી છે, કે ભગીરથ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા. અને એ વખતે એ પરમશક્તિશાલિનીને શિવજીએ પોતાની જટામાં બાંધીને પછી હિમાલયના શિખર પર બિંદુસાર તળાવમાં મુક્ત કરી.
આપણી અનેક પૌરાણિક કથાઓ, માન્યતાઓ, યમ-નિયમોને આજના આધુનિક યુગમાં હવે વૈજ્ઞાનિક આધાર સાંપડયા છે. વૈજ્ઞાનિક પ્રમાણો ન મળ્યાં ત્યાં સુધી આપણે આપણા અતિબુદ્ધિશાળી, અતિબળવાન પૂર્વજોનાં પરાક્રમોને અલૌકિક દેવોનાં અતિમનસ પરાક્રમો જ માન્યાં છે.
અને એટલે જ,‘એ આપણું કામ નહીં’વાળી નિરાશામાં આપણે આપણી સંસ્કૃતિનો વારસો પણ જાળવી શક્યા નથી. આગળ જવાની તો વાત જ એક બાજુ રહી.
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને, અયોધ્યાપતિ ભગીરથ દ્વારા ગંગાને ધરતી પર લાવ્યાની કથા કહી છે. રામાયણમાં ગંગાવતારની જે કથા મળે છે તેના પરથી સ્પષ્ટ છે કે આ મહાન કાર્ય કોઇ એક વ્યક્તિ કે પેઢીનું નથી. રાજા સગર પછી અંશુમાન અને એ પછી એનો પુત્ર દિલીપ પણ આમાં કાર્યરત રહ્યા અને ચોથી પેઢીમાં દિલીપના પુત્ર ભગીરથને, શંકરની મદદ પ્રાપ્ત થયા પછી સફ્ળતા મળી.
અઢારમી શતાબ્દિની મધ્યમાં બ્ર્ાિટિશ સર્વેક્ષણકર્તાઓ ગંગાવતરણ સંબંધી ભગીરથના આ પૌરાણીક આખ્યાનથી ખૂબ પ્રભાવીત થયા હતા.
સન 1763 થી 1782 સુધી મી રૈનેલ બંગાળના સર્વેયર જનરલ હતા. આ પૌરાણીક કથા પરથી તેમણે એવી ધારણા કરી, કે પહેલાં ગંગા ક્યારેક કાશ્મીર-લડાખનું સિંચન કરતી હશે. તેમની ધારણા હતી કે તિબેટની ભૂમીને સિંચ્યા પછી ગંગા એક પ્રાકૃતિક સુરંગ દ્વારા હિમાલયને પાર કરે છે. તેમણે એક જગ્યાએ લખ્યું પણ છે,‘આ મહાન નદી એક પહાડની શૃંખલામાં થઇને પોતાનો માર્ગ બનાવે છે, અને પછી પહાડના મૂળને જ વિંધીને એક ભુગર્ભ નહેર દ્વારા વિશાળ સરોવરમાં પહોંચે છે.’
રૈનેેલ જેને ભૂમિગત સુરંગ કહે છે, એ વાસ્તવમાં ગંગોત્રીના અંતે આવેલું બરફ્નું ગોમુખ છે, જયાંથી ભાગીરથી વહે છે.
સ્વર્ગમાંથી ગંગાનું શંકરના શિર્ષ પર અવતરણ થયાનું જે વર્ણન મળે છે, તે એક રૂપક હોવાનો નિષ્કર્ષ નીકળે છે. ખરેખર તો ઇસવીસનનીયે શતાબ્દિઓ પહેલાં આર્યોએ હિમાલય જેવા પર્વતનું સર્વેક્ષણ કર્યું હતું અને તેમને એ ખ્યાલ આવ્યો હતો કે ગંગા જેવી સમર્થ નદીનું મૂળ હિમાલયની પેલે પાર તિબેટની સીમામાં છે. ગંગાવતારણની જે કથા પ્રચલીત છે તે, તથા ગંગાના મૂળની ભૌગોલીક સ્થિતિ જોતાં લાગે છે કે ભગીરથ દ્વારા ગંગાને ધરતી પર લાવવાની આ કથા હિમાલયની પેલે પાર આવેલ પઠાર ક્ષેત્રથી ભારત સુધી ગંગાને લાવવાના પ્રયાસનું પૌરાણીક રૂપ છે. જે કંઈ આધુનિક ભૌગોલીક સર્વેક્ષણો થયા છે, એ પરથી પણ આ જ નિષ્કર્ષ મળે છે. અને જો આ નિષ્કર્ષ સત્ય હોય, તો નિ:સંદેહ, ફ્ક્ત ભારતના ઇતિહાસમાં જ નહીં, પણ સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં ભગીરથનું આ કાર્ય ઇજનેરીવિદ્યાનું મહાન દષ્ટાંત છે.
પહેલાં એવી ધારણા પ્રચલિત હતી કે ગંગા ઝરણાના રૂપમાં નીકળી હશે. આ બાબતે તથ્ય શોધી કાઢવા માટે બંગાળ સરકારે સન 1807માં કેપ્ટન રૈયર અને વેબને હરદ્વારથી ગંગોત્રી સુધી ગંગાના સર્વેક્ષણનું કાર્ય સોંપ્યું. તેમને, ગંગા કોઇ ભૂમીગત માર્ગેથી નીકળે છે કે પછી પ્રપાતના (ધોધના) રૂપમાં નીકળે છે તે જાણવા માટે નિમવામાં આવ્યા હતા. જો એ પ્રપાતના રૂપમાં નીકળતી હોય, તો એ પ્રપાતનું માપ જાણવાનો તેમજ તે સ્થળના ચોક્કસ અક્ષાંસ-રેખાંશ જાણવાનો પણ આદેશ અપાયો હતો.
બંને કેપ્ટનોએ ગંગાની બંને મુખ્યધારા, અલકનંદા તથા ભાગીરથીના માર્ગનું અનુસરણ કર્યું અને એ નદીઓની ઊંડી ખીણોમાં થઇને યાત્રા કરી. નદીનું મૂળ જયારે તેમને હિમાલયની પેલે પાર હોવાનું તારણ મળ્યું, ત્યારે તેઓ એકદમ અસમંજસમાં પડી ગયા, પણ આ તથ્ય પર આગળ તપાસ ન કરતા તેમણે એવો રીર્પોર્ટ આપી દીધો, કે હિમાલયની દક્ષીણ તરફ્ તેમને ગંગાનું મૂળ મળી ગયું છે.
કેપ્ટન હર્બર્ટ પોતાના સમયમાં હિમાલય સંબધે અધિકૃત વિદ્વાન મનાતા હતા. સૌ પહેલા સન 1817માં તેમણે એવું કહ્યું કે અલકનંદા અને ભાગીરથી, બંનેના મૂળ તિબેટમાં છે, અને એ બંને નદી ઊંડી ખીણોમાં થઇને વહેતી-વહેતી હિમાલયની આ પાર આવે છે. આધુનિક સર્વેક્ષણકર્તાઓ પણ આ વાતનું સમર્થન કરે છે, કે ગંગાનો માર્ગ સંપૂર્ણપણે પ્રાકૃતિક નથી, અને તેના નિર્માણમાં માણસજાતનો પણ હાથ છે. પુરાણોમાં વર્ણવેલી આ વાત આધુનિક સર્વેક્ષણકાર્યથી સિદ્ધ થાય છે.
કથા કહે છે, કે શંકરે ગંગાને હિમાલયના શિખર પર બિંદુસાર તળાવમાં મુક્ત કરી હતી. હવે હકિકતમાં બિંદુસારમાંથી સાત નદીઓ નીકળે છે, જેમાંથી ત્રણ નદીઓ (હલદ્રુ, પવામી અને નલિની) પૂર્વ તરફ્ જાય છે. અન્ય ત્રણ સુચક્ષુ, સીતા અને સિંધૂ નદીઓ પશ્ચિમ તરફ્ જાય છે, અને સાતમી નદી, જેણે ભગીરથની પાછળ ચાલીને ભાગીરથી નામ ધારણ કર્યાનું કહેવાય છે, તે રસ્તામાં એક જળાશયમાંથી થઇને બીજા જળાશયમાં જતી-જતી મેદાનમાં પહોંચતાં સુધી એજ રીતે વહેતી રહે છે. તેના માર્ગમાં એવા કેટલાય જળાશયો છે, જે ચારે તરફ્થી પર્વતોથી ઘેરાયેલા છે. આ કાર્ય માનવીય હોવાની ધારણા આ હકીકતો પરથી કરી શકાય છે.
ઉપરાંત અલકનંદા તથા ભાગીરથીને જળ પહોંચાડનાર નદીઓનું જે વિવરણ સર્વેક્ષણકાર્ય કરનારાઓએ આપ્યું છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે, આ નદીઓને હીમાલયને પેલે પારથી ભારત સુધી પહોંચાડવામાં માણસજાતનો કેટલો હાથ છે.
અલકનંદાને કેટલીયે સહાયક નદીઓ છે, જેમાં ધોળી અને વિષ્ણુગંગા મુખ્ય છે, જે હિમાલયની પેલે પારથી નીકળે છે. ધોળીનું મૂળ જસ્કર પર્વતશૃંખલાઓમાં અને વિષ્ણુગંગાનું મૂળ કામેત પર્વતશૃંખલાઓમાં છે. બંને નદીઓ જોષીમઠ (6000 ફ્ૂટ)ની નજીક મળે છે, અને ત્યાંથી જ વિશાળ પર્વતશૃંખલાઓમાં થઇને વહેવાનું શરૂ કરે છે.
કેપ્ટન હર્બર્ટે એક જગ્યાએ નોંધ્યું છે,‘ધોળીના કિનારે પત્થરોના જે ઢગલા પડયા છે, તેને જોઇને જ યાત્રી આશ્ચર્યચકિત થઇ જાય છે, અને એવું સ્વિકારવા માંડે છે, કે આ કામ પાણીની અતિતીવ્ર્ા ધારાનું છે. પરંતુ અહીં પૂરથી આવેલી માટી એટલાં બધાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, નદી દ્વારા એટલો કાંપ ઘસડાયાની વાત જ ખોટી સાબીત થાય છે -આ નદીઓની ધારાઓ કેટલીય જગ્યાએ નક્કર શીલાઓ પરથી વહે છે. એમાં ક્યાંક-ક્યાંક એટલું ઓછું ઊંડાણ છે, કે જેને જોતાં જ લાગે કે ક્યારેક આ ખીણો નક્કર શીલાઓથી ભરી હશે… -ધોળીનો રસ્તો બનાવવા માટે જે નક્કર શીલાઓ કાપવી પડી છે, એ કાર્યમાં ભગીરથના માણસોને ખૂબજ શ્રમ પડયો હશે -ભાગીરથી કેદારનાથના શીખર પાછળ, ગંગોત્રીથી 13000 ફ્ુટની ઉંચાઇ પર આવેલા ગોમુખ નામના સ્થળેથી નીકળે છે. ગંગોત્રીનું મંદીર, જેમાં ગંગા અને ભાગીરથીની મૂર્તિઓ છે, એ મંદીર ગોમુખથી 18 માઇલ દૂર ભાગીરથી નદીના જમણા કિનારા પર આવેલ છે, અને પશ્ચિમ તરફ્થી આવતી જાહ્નવી, ગંગોત્રી મંદીરથી પણ સાત માઇલ જેટલે દૂર ભાગીરથીને મળે છે. આ બંને નદીઓનું પાણી શ્રીકાંત અને બુંદેરપુંચ શિખરોની વચ્ચે હિમાલયને કાપે છે. ભાગીરથીની આ ખીણ મધ્ય હિમાલયની એક અદભૂત ચીજ છે, અને એ એટલી તો સુંદર છે કે વિશ્વામાં કોઇ ખીણ તેની તોલે ન આવે! ’
પોતાના ઉદ્ગમ સ્થાન બિંદુસારથી હરદ્વાર સુધીના રસ્તે ગંગાના માર્ગમાં કેટલાંય જળાશયો આવેલાં છે. આ જળાશયોમાં સ્થળે-સ્થળે પાણીના નિકાસની પણ વ્યવસ્થા છે.
સંપુર્ણ માર્ગને જુદા-જુદા ભાગોમાં વહેંચી નદીના પ્રવાહને બદલવાનો આ પ્રયાસ જ બતાવે છે, કે પહેલાના ઇજનેરો કેટલા બુદ્ધિમાન હતા, પોતાના કામમાં કેટલા નિપુણ હતા. આજે પણ, આપણે ઊંચાઇ પરથી નદીના પ્રવાહ તરફ્ નજર નાખીએ, તો ખ્યાલ આવશે કે, આપણા ઇજનેરો નદીના પ્રવાહોને નાથવાનું કાર્ય એ રીતે કરે છીએ કે જેથી નદી પોતાની સાથેની માટી (કાંપ) ત્યાં જ છોડી જાય. એ માટે યોગ્ય સ્થાનો પર ઝરણા બનાવવા કે બંધ બાંધવામાં આવે છે. એમ લાગે છે કે, નક્કી આર્ય ઇજનેરો આ સિદ્ધાંતોથી પણ સુપરિચિત હતા, અને ભગીરથે તો ગંગાની ધારા બદલવામાં આ સિદ્ધાંતને કાર્યરૂપ પણ આપ્યું છે.
પ્રાચીન ઇજનેરોને, કદાચ આશંકા હશે પણ ખરી, કે મેદાનમાં પહોંચીને ગંગાનો પ્રવાહ અટકી જશે. એવું થયું પણ છે. એ માટે એમણે તળેટી ફ્રી ઊંડી કરવી પડી હતી.
ગંગાનો માર્ગ બદલવાનું કાર્ય ચાર પેઢીએ પૂર્ણ થયું. આ યોજના કેટલી વિશાળ હશે, અને એને પૂરી કરવામાં કેટલી શિલાઓ કાપવી પડી હશે અથવા કેટલી માટી ખોદાણી હશે, એ બધા પ્રશ્નો પર વિચાર કરવા બેસીએ તો આ યંત્રયુગમાં પણ આપણું મગજ બહેર મારી જાય.
આમ છતાં આપણે એટલો નિષ્કર્ષ કાઢી શકીએ, કે ભગીરથ નામના અતિબુદ્ધિશાળી અને શક્તિશાળી રાજા, જેની ચાર પેઢીના પૂર્વજો આ કાર્યમાં નિપૂણતા ધરાવતા હતા તેણે, કદાચ અન્ય કોઇ રાજા (પુરાણોના સંદર્ભે શંકર?)ની મદદથી, ચોથી પેઢીએ તદ્દન અશક્ય લાગતું આ કાર્ય પૂરૂં કર્યું, અને તેના પરથી આવાં અશક્ય લાગતાં કાર્યો માટે‘ભગીરથ કાર્ય’ એવો શબ્દ વપરાવા લાગ્યો.
નિ:શંક, ભગીરથ માનવ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ ઇજનેર હતો.
(સંકલિત) – મીનાક્ષી અને અશ્વિન ચંદારાણ
આ લેખ 2008માં કુમારમાં છપાયેલો.