ખાસ-ખબર સંવાદદાતા
પહાડી વિસ્તારોમાં પડી રહેલા વરસાદની અસર ગંગા નદી પર પડી છે. છેલ્લા 3 દિવસથી ગંગાના જળસ્તરમાં વધારો ચાલુ છે. ગંગાનું જળસ્તર વધતુ જોઈને તંત્ર એલર્ટ થઈ ગયુ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ગંગા કિનારે તૈનાત કરી દેવાઈ છે. તંત્રએ ઘાટના કિનારે રહેતા લોકોને પણ માહિતગાર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે 24 કલાકની અંદર ગંગાનું જળસ્તર 18 સેન્ટીમીટર વધી ગયુ છે. પૂરની આશંકાને ધ્યાનમાં રાખતા તંત્રની ટીમ એલર્ટ મોડમાં છે.
પોલીસની ટીમ પણ ગંગા કિનારે વસેલા ગામોમાં લોકો સાથે વાતચીત કરી પળેપળની અપડેટ આપી રહી છે. 25 જૂને મોનસૂન દસ્તક બાદ ઉત્તરાખંડમાં સામાન્યથી મધ્યમ વરસાદનો સમય ચાલુ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દહેરાદૂન, નૈનીતાલ, ટિહરી, પૌડી, ચમોલી અને બાગેશ્વરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદ થયા પહેલા અલકનંદા અને મંદાકિની નદી તોફાને ચઢી છે. રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે.